રાજકોટમાં મોદીના “સ્ટાર પ્રચારક” છે આ દુર્ગાબહેન

રાજકોટઃ એ ય…જલદી હાલો જલદી હાલો….ઓલા બેન આયવા જોવો…શેરીમાં એક નાનું ટોળું એકઠું થઇ જાય. ડી.જે.ની ધૂન પર ભાજપનું થીમસોંગ શરુ થાય અને એ બહેન ઉમંગમાં આવીને નાચવાનું શરુ કરે. એની સાથે કેસરિયો ખેસ પહેરેલા કાર્યકરો પણ તાળી વગાડે.

રાજકોટ શહેરના વોર્ડ નં. 2માં આ દ્રશ્ય છેલ્લાં એક સપ્તાહથી જોવા મળે છે. રસ્તા પર, શેરીમાં,એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં આ બહેન ભાજપના પ્રચાર માટે નાચે છે. દુર્ગાબહેન રાજ્યગુરુ એમનું નામ છે. 63 વર્ષની વયે પણ એમની સ્ફૂર્તિ દાદ માંગી લે એવી છે. વોર્ડમાં લોકસંપર્કમાં નીકળે ત્યારે માથાં પર ભાજપની ટોપી, ગળે ખેસ પહેરીને એ મન મુકીને નાચે છે. દુર્ગાબહેન 1979થી ભાજપ સાથે જોડાયેલા છે. વજુભાઇ વાળા પ્રથમ વાર મેયર બન્યા ત્યારથી એ ભાજપના કાર્યકર્તા છે. ઉમેદવાર કોઇ પણ હોય, દુર્ગાબહેન એમના પ્રચારમાં હોય જ.

રાજકોટના એરપોર્ટ વિસ્તાર,રેસકોર્સ,બહુમાળી ભવન સહિતના વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, દર્શીતા શાહ, પૂર્વ ડેપ્યુટી મેયર જશુબેન વસાણી, કાર્યકર કૌશિક અઢિયા સાથે એ ફરે છે અને આમ ઉત્સાહ ભેર પ્રચાર કરે છે. શહેરના બજરંગવાડી વિસ્તારના મધ્યમવર્ગીય પરિવારના એ સદસ્ય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં દુર્ગાબહેન કહે છે, દેશમાં શાંતિ-સલામતિ માટે ભાજપનો વિકલ્પ નથી. 2019ની ચૂંટણીમાં જ નહીં અમે તો કહીએ છીએ નરેન્દ્રભાઇ કાયમ વડાપ્રધાન તરીકે રહેવા જોઇએ. કારણ કે એમણે અમારા સ્વાસ્થ્ય માટે કાર્ડ કઢાવવાની સગવડ કરી ( આયુષ્યમાન ભારત, મા અમૃતમ યોજના) બહેનોની સલામતિ એમના રાજમાં વધી છે. રાજકોટમાં અમે અંજલીબહેન રુપાણીના માર્ગદર્શનમાં પ્રચાર કરીએ છીએ. ફરી એકવાર નરેન્દ્રભાઇની સરકાર બનાવશું.

(અહેવાલઃ જ્વલંત છાયા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]