મોરબીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. તેમણે સૌપ્રથમ મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતા પૂલનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ મૃતકોના 23 પરિવારોને મળશે. તેઓ સિવિલ હોસ્પિટલમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘાયલોના ખબરઅંતર પૂછશે. તેમણે મોરબીની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેઓ બચાવ અને રાહત કાર્યો વિશે માહિતી લેશે. હજી પણ ઘણા લોકો લાપતા છે, જેથી બચાવ કાર્ય હજી પણ જારી છે. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો જોડાયા છે.
તેમની મુલાકાત પૂર્વે સિવિલ હોસ્પિટલમાં યુદ્ધને ધોરણે તૈયારીઓ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં સાફસફાઈ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કેટલીક જગ્યાએ રંગરોગાન પણ કરવામાં આવ્યું હતું.
શહેરમાં 30 ઓક્ટોબરે મચ્છુ નદીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. રવિવારે સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 140થી વધુનાં મોત થયાં છે. જોકે આ મોતનો આંકડો હજી વધે એવી દહેશત સેવાય રહી છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ મોરબીની પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. pic.twitter.com/XjMcRml7kY
— BJP Gujarat (@BJP4Gujarat) November 1, 2022
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
PM Shri @narendramodi visits Morbi to take stock of situation at the site of bridge collapse. https://t.co/ajaOVz3GT9
— BJP Gujarat (@BJP4Gujarat) November 1, 2022
મોરબીનો ઝૂલતો પુલ નવીનીકરણ માટે બંધ કરવામાં આવ્યો હતો. આ પૂલને રૂ. બે કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. આ ઝૂલતો પુલ માત્ર એકાદ સપ્તાહ પહેલાં જ ખોલવામાં આવ્યો હતો. આ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે પૂલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પૂલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર એને શરૂ કરી દેવામાં આવ્યો હતો.