અમદાવાદઃ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર સપ્ટેમ્બર, 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકા વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સપ્ટેમ્બર, 2023 સુધીમાં SVPIA એ પાંચ મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 મિલિયન) 35 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 સ્થાનિક આવા-ગમન અને 5193 આંતરરાષ્ટ્રીય ATM નોંધાયા હતા.
વર્ષમાં ટોચનાં ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોર ઊભરી આવ્યાં છે. સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022-23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના છે.
અમદાવાદ એરપોર્ટે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ – T2માં 24 ઇમિગ્રેશન કાઉન્ટર ધરાવતા ઇમિગ્રેશન હોલનું ઉદઘાટન કર્યું છે. જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુ સારી સેવાઓ અને સુવિધાઓ મળી રહી છે. વળી, ડોમેસ્ટિક ટર્મિનલ-T1 માં આગમન વિસ્તારમાં વધારાના સામાનનો પટ્ટો, સમર્પિત પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, પ્રસ્થાન સમયે ચેક-ઇન કાઉન્ટર્સની સંખ્યામાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.
SVPIA પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો સંખ્યા એરપોર્ટની અવિરત વૃદ્ધિ સાથે મુસાફરો અને તેના વ્યવસાયિક ભાગીદારોની સેવાઓમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. SVPIA સીમલેસ અને વર્લ્ડ-ક્લાસ હોસ્પિટાલિટી, દેશભરમાં જોડાણો અને સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધ છે.