ગાંધીનગર– ગુજરાતની રુપાણી સરકારે કમૂરતાંમાં શપથગ્રહણ કર્યા છે, જે પછી એક પછી એક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલની ખાતાની ફાળવણી મામલે નારાજગી આવી, ભાજપના હાઈકમાન્ડે તેમને માંડ માંડ નાણાં ખાતું પાછુ આપીને મનાવી લીધાં, તેને માંડ બે દિવસ થયાં ત્યાં તો રાજ્યકક્ષાના મત્સ્યપ્રધાન પરસોત્તમ સોલંકીની નારાજગી બહાર આવી છે. તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, એમ કહીને તેમણે નારાજગી દર્શાવી છે.
રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ખાતાની ફાળવણીમાં મને અન્યાય કરાયો છે. મહત્વના ખાતા મને મળતા નથી. પાંચ ટર્મથી ધારાસભ્ય છુ, છતા પણ મને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે. અને આ મને નહી કોળી સમાજને અન્યાય થયો છે’.
નારાજ પરસોત્તમ સોલંકીને મનાવવા માટે ભૂપેન્દ્રસિંહ પરસોતમ સોલંકીને મળવા પહોંચ્યા હતા, અને તેમની સાથે વાતચીત ચાલુ હતી. ત્યાર બાદ પ્રતિક્રિયા આપતાં સોલંકીએ કહ્યું હતું કે હું નારાજ નથી પણ કોળીસમાજ નારાજ છે.