રાજકોટઃ વિશ્વમાં કોરોના રોગચાળા ફેલાયો છે, ત્યારથી સામાન્ય જનતાની રહેણીકરણી અને ખાનપાનની પદ્ધતિમાં આમૂલ ફેરફાર થયો છે. ખાસ કરીને લોકોને આરોગ્યની જાગૃતિની વિશેષ જરૂર છે. જેથી બાલ ભવન રેસકોર્સમાં કોરોના યોદ્ધાઓના સન્માનની સાથે આ વર્ષે પણ ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું ત્રિદિવસીય આયોજન 19 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે.
(પ્રતીકાત્મક ફાઇલ ફોટો)
આ મેળામાં હંમેશાની જેમ કુદરતી ખેતી કરતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો તો ભાગ લેશે જ, પણ ઉત્તરાખંડ, કાશ્મીર, મધ્ય પ્રદેશ અને કરછ વગેરે વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની વિવિધ સમગ્રી લઈને આવશે અને વાજબી કિંમતથી રાજકોટની જનતાને નિતનવી આઇટમો પીરસશે. આ મેળો ૯ કલાકથી રાત્રે ૧૦.૩૦ કલાક સુધી રહેશે. શહેરીજનો આહાર-આરોગ્યની સામગ્રી ખેડૂત-ઉત્પાદકો પાસેથી અને ભોજન સ્ટોલ પરથી વીસરતી વાનગીઓનો સ્વાદ માણી શકશે.
ધરામિત્ર ટોમ દ્વારા ફરી આ વર્ષે પણ ખેડૂત હાટ અને વીસરતી આરોગ્યપ્રદ ભોજન સામગ્રી તથા આહાર–ઔષધિની વિવિધ પ્રોડક્ટ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદના વિવિધ વિભાગો, આરોગ્ય પર કામ કરતા વિવિધ સંગઠનો અને સંસ્થાઓ રાજકોટની જનતાને જાગ્રત કરવા તૈયાર છે. સંસ્થાનું સૌ રાજકોટવાસીઓને માસ્ક પહેરવા સાથે સામાજિક અંતરની સાથે આ આહાર –આરોગ્ય મેળામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
આ મેળાને દર વર્ષની જેમ સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળની ભગિનીઓ તથા જીવન માંગલ્ય ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો છે. આ સાથે સાંસ્કૃતિક સભામાં રાજકોટવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી શકે છે. વળી, કોઈને નાની-મોટી સારવાર બાબતે શારીરિક તકકલીફ હોય તો એ શનિ –રવિએ આયુર્વેદ તજજ્ઞ પાસે નિ:શુલ્ક નિદાન પણ કરાવી શકશો.