જામનગરઃ દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 13 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનના આહવાનને પગલે જામનગરમાં વાયુસેનાની પાંખ એરફોર્સ દ્વારા મનપાના સંયુક્ત ઉપક્રમે આજે આઝાદીના 75 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થતાં અને તિરંગા યાત્રાના ભાગરૂપે જામનગરના ઐતિહાસિક લાખોટા તળાવથી એક ‘મહા રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથમાંથી તિરંગો લઈ અને સેનાના જવાનો તેમ જ શહેરિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જામનગરમાં વાયુ સેનાની પાંખ એરફોર્સ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ- તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત લાખોટા તળાવથી આઝાદી કા મહા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 કિલોમીટરની મેરેથોન, પાંચ કિલોમીટર રનિંગ અને પાંચ કિમી વોકિંગનું આયોજન થયું હતું. આ મહા રનમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ત્યારે જામનગર એરફોર્સના સીઓ, જામનગરના SP અને JMCના કમિશનર પણ આ મહા રનમાં જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને દેશભક્તિ ગીત સાથે લોકો રનિંગ કર્યું હતું. જ્યારે અલગ-અલગ વિસ્તારમાંથી પસાર થયેલી મિની મેરેથોનનો અદભુત ડ્રોન નજારો પણ જોવા મળ્યો હતો.