રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટઃ સુરત જળબંબોળ  

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અનરાધાર વસરી રહ્યો છે, જેને પગલે સુરતમાં જળબંબોળની સ્થિતિ છે. સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવનને અસ્તવ્યસ્ત થયું છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામા આવ્યું છે. આ સાથે વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

સુરતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. સુરતના ગીતાનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે. કડોદરા-સુરત રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી સુરતના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયાં છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે  હાલમાં ઈસ્ટર્ન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે. રાજ્યની ઉપર સાઇક્લોનિકલ સિસ્ટમ કાર્યરત થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંટ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સૂત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તો તાલાલા પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત શહેરના લિંબાયતમાં માત્ર બે કલાકમાં ચાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળાં છલકાયાં હતાં. જાંબુઘોડામાં વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં હતાં. સુખી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમ જ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં.