ગાંધીનગરઃ IITGN ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટી વોલિન્ટિયરોએ ‘ન્યાસા’- અનૌપચારિક સ્કૂલમાં આજુબાજુનાં ગામડાં અને બાંધકામ ક્ષેત્રના કામદારોની કોલોનીનાં આશરે 90 બાળકો માટે 10 દિવસના સમર કેમ્પ (શિબિર)નું સફળતાપૂર્વક આયોજન પાર પાડ્યું હતું. આ સમર કેમ્પ 30 મેથી આઠ જૂન સુધી આયોજિત કરવામાં આવ્યો હતો અને એનો હેતુ આ બાળકોમાં તેમના શોખ અને છુપાયેલી પ્રતિભાને ઓળખી કાઢવાનો હતો.
આ કેમ્પમાં બાળકોને મોજમસ્તી કરાવવા સાથે તેમને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઉપરાંત તેમને આ કેમ્પમાં તેમને આર્ટ્સ અને ક્રાફ્ટ, ઓરિગામી, ડ્રીમ કેચર મેકિંગ, પ્રાથમિક અંગ્રેજી, કોમ્પ્યુટરનું બેઝિક કૌશલ, પુરાતત્વનો પરિચય, વિજ્ઞાનના પ્રયોગો, માટીનાં વર્તન, મ્યુઝિક અને ડાન્સ વગેરે પ્રવૃત્તિઓ કરાવવાનો હતો. IITGNના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના સભ્યો સહિત 40 સલાહકારોએ સંસ્થાના 50 વિદ્યાર્થીઓની મદદથી વિવિધ સેશનનું આયોજન કર્યું હતું. ટીમ ન્યાસાએ સમર કેમ્પમાં બાળકોના આર્ટવર્કના ફોટોને કેમેરામાં કેદ કરીને ગેલેરી-એક્ઝિબિશન કર્યું હતું.
IITGNના પીએચડી સ્કોલર અને ન્યાસાની ટીમના વિદ્યાર્થી સ્વયંસેવક અંકુશે કહ્યું હતું કે સમર કેમ્પમાં આ બાળકોને મોજમસ્તી સાથે વિવિધ નવી શોધખોળની તકોને ઉજાગર કરવાનો હેતુ હતો. આ કેમ્પનો હેતુ આ બાળકોને વિવિધ કૌશલ શીખવાડવા સાથે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.
આ કેમ્પમાં ભાગ લીધેલી સાત વર્ષની બાંધકામ કામદારની પુત્રી કિંજલે કહ્યું હતું કે મેં અહીં 10 દિવસ કેમ્પ ભારે મોજ માણી હતી, એ ઉપરાંત હું અહીં ઇંગ્લિશ ભણી હતી અને કોમ્પ્યુટર પણ શીખ્યું હતું. આ સાથે ઘણી ગેમ્સ રમી હતી અને મેં ડાન્સ સેશનમાં પણ સૌથી વધુ આનંદ લીધો હતો.
IITGN નજીકના બાસન ગામના 10 વર્ષીય યશપાલ વાઘેલાએ કહ્યું હતું કે આ કેમ્પમાં બહુ મજા આવી, મેં અહીં પાણી છાંટવાનું, સીટી વગાડવાનું, માટીનાં વાસણોને રંગવાનું , કાગળનાં ફૂલો બનાવવાનું અને પર્યાવરણ વિશે જાણ્યું હતું. હું મારા પિતા સાથે પ્લાન્ટ નર્સરીમાં ગયો હતો અને અનેક ફૂલો લાવ્યાં હતાં અને મારા ઘરની પાસે છોડ-ઝાડ રોપ્યાં હતાં.