સુરત: માં અંબાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિનો પાવન તહેવાર. નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે. આ સાથે પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલુ છે.
સુરત શહેરમાં નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે. જેને લઈને સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે. વધુમાં તેમણે કહ્યું કે સુરક્ષા માટે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 નવરાત્રિ આયોજકો એ મંજૂરી લીધી હતી. આ સાથે આ વર્ષે પણ 13 આયોજકોની આરજી મળ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ખાસ ફરજ બજાવશે. જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી શક્શે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. નવરાત્રિના આયોજન માટે એક સ્પેશયલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે. જ્યારે CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર, ઈમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે તો ખાનગી જગ્યા, ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે. ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે.