સોમનાથ બુલડોઝર એક્શનમાં મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ રાહત નહીં

નવી દિલ્હીઃ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શનના કેસમાં એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે વર્ષ 1903માં એ જમીન એને આપવામાં આવી હતી જોકે ગુજરાત સરકારે એને ખોટો ગણવતાં કહ્યું હતું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની હતી અને ટ્રસ્ટ એ જમીન ઘણા સમય પહેલાં સરકારને સોંપી ચૂક્યું છે. અરજીકર્તા ખોટા દાવા કરીને એને સાંપ્રદાયિક રૂપ આપી રહ્યું છે.  

જોકે કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ સંરક્ષિત સ્મારકો છે. કોઈ પણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું હતું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની નજીક હોઈ શકે નહીં. સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં આની કલ્પના કરી શકો છો?

સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું હતું કે ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે હાઈકોર્ટનો આ આદેશ 2015માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલા હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

એસજીનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.