અમદાવાદ શહેરમાં વધી રહેલા ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે. ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ હવે વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યાનો નિવારણ લાવવા પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે વાયરલેસ ઓન કેમેરા એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જેનાથી હવે પોલીસ કોન્સ્ટેબલ પણ રોડ ઉપરથી ઈ મેમો જનરેટ કરી શકશે. શહેરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડનારની હવે ખેર નથી કારણ કે અમદાવાદ શહેર પોલીસે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. જેના થકી શહેર પોલીસના કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓ શહેરના કોઈપણ ખૂણામાંથી ઈમેમો આ એપ્લિકેશનથી જનરેટ કરી શકશે.
અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ કક્ષાના તેમજ તેનાથી ઉપરની કક્ષાના કર્મચારી તેમજ અધિકારીઓ જ ઈ મેમો જનરેટ કરી શકતા હતા. જો કે આ એપ્લિકેશનથી હવે કોન્સ્ટેબલ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકનો ઈ મેમો જનરેટ કરી શકશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ફોર્સમાં હાલ 65 ટકા કોન્સ્ટેબલ કામ કરી રહ્યા છે. જેના કારણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના ખૂબ ઓછા ઈ મેમો જનરેટ થતા હતા. જોકે હવે આ 65 ટકા કોન્સ્ટેબલ એટલે કે કુલ 1100થી વધુ કોન્સ્ટેબલ હવે આ એપ્લિકેશન થકી ઈ મેમો જનરેટ કરી શકશે. એક કોન્સ્ટેબલ દિવસ દરમિયાન વધુમાં વધુ 10 ઈ મેમો જનરેટ કરી શકશે. જેને કંટ્રોલરૂમ દ્વારા ખરાઈ કર્યા બાદ જે તે વાહન ચાલકને મોકલી આપવામાં આવશે. આમ, આ એપ્લિકેશન થકી દિવસના ઓછામાં ઓછા 11000 ઈ મેમો જનરેટ કરી શકાશે. ‘વન નેશન વન ચલણ’ હેઠળ આ એપ્લિકેશનને આવરી લેવામાં આવી છે, જેનાથી અન્ય રાજ્યોના વાહનોને જે નિયમોનું ઉલ્લંઘન કરશે, તેનો ઈમેમો પણ આ એપ્લિકેશન થકી જનરેટ કરી શકાશે.