ગુજરાતના દરિયાકાંઠા પર અવાર નવાર નસીલા પદાર્થ મળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત પોરબંદર દરિયા કિનારો ચર્ચામાં આવ્યો છે. આ વખતે ગુજરાતના પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરીને 500 કિલો ડ્રગ્સ ઝડપિ પાડ્યુ હતું. આ ઓપરેશનની અંદર ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે તે અંગે સત્તાધીશો કોઈપણ વાત કરવાનું ટાળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંરના મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટસ આવવાની બાતમી મળી હતી જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજી સત્તાવાર રીતે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ આ બોટને ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ બોટમાં આવી રહ્યું હતું તેને પકડીને એક મોટી સફળતા એજન્સીને મળી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયાકાંઠે લાવ્યા બાદ ડ્રગ્સ અંગેની વિગતો મેળવવામાં આવશે. હાલ કેટલા લોકોની અટકાયત થઈ છે કે નહીં તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે.