અમદાવાદઃ લેઉવા પાટીદાર સમાજ ઓફ USAમાં વર્ષ 2020-21ની મુદત માટે નયના ‘નેન્સી’ પટેલ ચૂંટાઈ આવ્યાં છે. LPS ઓફ USAના 31 વર્ષના ઇતિહાસમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવનારા નેન્સી પટેલ સૌપ્રથમ મહિલા છે.
સુરતના બારડોલી પાસેના સોયાલી ગામના મૂળ વતની નેન્સી પટેલ LPS ઓફ USA સાથે જુલાઈ,2009થી સંકળાયેલાં છે. તેમણે છેલ્લાં 10 વર્ષમાં LPS ઓફ USAના પ્રત્યેક વિભાગમાં સેવાઓ આપી છે. પ્રેસિડેન્ટ તરીકે હોદ્દાનો કાર્યભાર સંભાળતાં નેન્સી પટેલે LPS ઓફ USAના સભ્યોને પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવનારાં આયોજનનોની રૂપરેખા આપી હતી. તેમણે કોવિડ-19ના રોગચાળા સામેના પડકારોને એકસંપ થઈને સામનો કરવા હાકલ કરી હતી.
તેમણે LPS સમુદાયને હેલ્થ, હેપ્પીનેસ એન્ડ રિલેશનશિપ સૂત્રને સાકાર કરવા અને સંસ્થાના લક્ષ્ય હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. LPS ઓફ USAના તમામ સભ્યો આધાર સ્તંભ છે અને એકજૂટ થઈને લેઉઆ સભ્યો માટે કાર્યરત રહેવા નેન્સી પટેલે હાકલ કરી હતી.