સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા SC-ST અનામત સંદર્ભમાં પેટા જાકિના વર્ગીકરણ તેમજ ક્રિમીલેયરના મુદ્દે સર્વે માટેનો ચૂકાદો આપ્યો હતો. જે બાદ દેશમાં વિરોધના શંખનાદ ફૂંકાયા હતા. આ મુદ્દે SC-ST સમજ દ્વારા 21 ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધનો ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
SC-ST સમાજ દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં બંધના એલાનને લઈ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ,વડોદરા, સુરત, સુરેન્દ્રરનગર,પાટણ, ભાવનગર, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે. સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC-ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી હતી.
ભાવનગરમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા તે દરમિયાન પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે બીજી બાજુ ભીમ સેના દ્વારા ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરમાં એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી માલગાડીને ગણપતિ પાસે અનુસૂચિત જાતિ દ્વારા રોકી વિરોધ કર્યો. અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા છે. દલિત સમાજે રસ્તા પર બેસી જઈ રસ્તો રોકતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે.