અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ ટેકનોલોજી ડે’ની વર્ચ્યુલ વેબિનાર દ્વારા ઉજવણી થઇ. આ વેબિનારનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના અગમ શાહ દ્વારા કરવામાં આવ્યું. એમણે ટેકનોલોજી અને હેલ્થ કેર ઇનોવેશન વિષે વાત કરી અને વધુમાં કોરોના વિષે પણ વાત કરી હતી. વેબિનારમાં 3500 જેટલા વિજ્ઞાનરસિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
એમણે અંતમાં જણાવ્યું કે કોરોના અને સામાન્ય રીતે થતી ઉધરસમાં ભેદ મુશ્કેલ છે, પરંતુ જો તમે કેટલીક વિશિષ્ટ બાબતો પર નજર નાખો, તો ઉધરસ અથવા અન્ય લક્ષણોથી કોરોનાને ઓળખી શકો છો. ઉધરસમાં આ પાંચ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. શુષ્ક ઉધરસ, સતત ઉધરસની ફરિયાદ, શ્વાસની તકલીફ, ગાળામાં દુ:ખાવો, સુગંધ ગુમાવવી, કોરોના વાયરસના નાના લક્ષણોને પકડવું તે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે. કોરોના લક્ષણોની વહેલી ઓળખ કરીને, માત્ર તમે ગંભીર માંદગીથી જ નહીં, પરંતુ એકબીજાના જીવનને પણ બચાવી શકો છો. લોકોએ બે માસ્ક અવશ્ય પહેરવા જોઈએ અને કોરોના વાયરસના આ નવા વેરિયંટ વિષે ફેલાતી અફવાઓથી બચવું જોઈએ.
11 મેનો દિવસ ભારત માટે ખાસ છે. 11મેના દિવસે ‘નેશનલ ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેશમાં ટેક્નોલોજી ક્રાંતિ આવી હતી. આજનો દિવસ 1998ના ‘પોખરણ પરમાણુ ટેસ્ટ’ અને અંતરિક્ષમાં ભારતની મોટી પ્રગતિના રૂપમાં ઇતિહાસમાં નોંધાયેલો છે. આજના દિવસે જ ભારતીય સેનાના પોખરણ પરીક્ષણ રેંજમાં ભારત દ્વારા કરવામાં આવેલા પાંચ પરમાણુ બોમ્બ વિસ્ફોટોની સિરીઝમાં પ્રથમ પગલું હતું. ભારતે આજના જ દિવસે ‘ઓપરેશન શક્તિ’ મિસાઇલને સફળતાપૂર્વક ફાયર કરી હતી.