નર્મદા ડેમમાં વધુ પાણી આવ્યું, ગુજરાત સરકારે પાણી વહાવવા કરી માગણી

ગાંધીનગર– પાણીની તંગી દિનોદિન આકરી બનતી જાય તેવા દિવસોમાં રાહત થાય તેવા આછાંપાતળાં સમાચાર મળી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના વીજમથક ચાલુ કરવામાં આવ્યાં છે જેને લઇને પાણી ડિસ્ચાર્જ થઇ નર્મદા ડેમ પર આવતા ડેમમાં પાણીની આવક 2704 ક્યૂસેક થઈ છે. હાલમાં ડેમની સપાટી 104.67 મીટર થઈ છે.

આ સાથે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે નર્મદા નદીને જીવંત રાખવા માટે જે 615 ક્યૂસેક પાણી છે જે 1500 કરવામાં આવે. જેથી નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં નદીકાંઠા ભરૂચ જિલ્લા તેમ જ ચાણોદ કરનાળી વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ દૂર થશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજના પાણીમાંથી IBPT દ્વારા પણ 3127 ક્યૂસેક પાણી લેવામાં આવી રહ્યું છે. જેમાંથી 2470 ક્યુસેક પાણી મુખ્ય કેનાલ મારફતે રાજ્યભરમાં મોકલવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી છેલ્લાં 6 દિવસમાં 14 સેન્ટિમીટર ઘટી છે. નર્મદા ડેમમાં પાણીના ડેડ સ્ટોરેજનો જથ્થો 3017.98 મિલિયન ક્યૂબિક મીટર છે. જયારે નર્મદા ગોડબોલે ગેટમાંથી પાણી છોડવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી આપે છે.