અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઇ એક પછી એક રસપ્રદ વળાંક આવી રહ્યા છે. અગાઉ ટ્રમ્પના હસ્તે સ્ટેડિયમનું લોકાર્પણ કરાશે તેવી ચર્ચા હતી, જોકે હવે ફક્ત સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ભપકાદાર રીતે ઊજવાશે. ઉપરાંત ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ પણ અનેક પ્રકારની દ્વીધાઓ હજુ પણ ઊભી છે. આ બધી બાબતો વચ્ચે 21 ફેબ્રુઆરીએ બપોરે મેયરની અધ્યક્ષતા હેઠળ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના કરાતાં સમગ્ર મ્યુનિ. વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.
તે પછી 22 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિના ચેરપર્સન મેયર બિજલ પટેલ ઉપરાંત સભ્યો બે સાંસદ હસમુખ પટેલ, ડૉ.કિરીટ સોલંકી, પદ્મભૂષણ અને આર્કિટેક્ટ બી.વી. દોશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બુચ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યાં હતાં. માત્ર 10 મિનિટમાં જ આ બેઠક સમેટાઈ ગઈ હતી. આ બેઠક અંગે સમિતિના ચેરમેન સહિત કોઈપણ સભ્યએ વધુ વિગતો આપવાની ના પાડી રવાના થઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ, આ સમિતિમાં લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા GTUના કુલપતિ ડૉ.નવીન શેઠ પણ છે, પરંતુ તેઓ ગેરહાજર રહ્યાં હતા.
સમિતિના ચેરપર્સન બિજલ પટેલ હાલ અમદાવાદ શહેરના મેયર છે. જ્યારે બી.વી. દોશી વિશ્વ વિખ્યાત આર્કીટેક્ટ છે અને તાજેતરમાં જ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. હિમાંશુ પંડ્યા રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે. જ્યારે દુર્ગેશ બૂચ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિની સાથે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ છે. હસમુખ પટેલ હાલ અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ છે. જ્યારે ડૉ.કિરીટ સોલંકી જાણીતા તબીબની સાથે અમદાવાદ પશ્ચિમના ભાજપના સાંસદ છે. તેમજ ભીખુદાન ગઢવી ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર છે અને તેઓને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.નવીન શેઠ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ છે.