સુરતમાં ગણેશ વિસર્જન બાદ મનપાનું સફાઈ અભિયાન

સુરત: ગઈકાલે શહેરમાં યોજાયેલ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન 117 મેટ્રિક ટન જેટલો કચરો થયો હતો, જેની સફાઈ સુરત મહાનગરપાલિકાના 3600 થી વધુ સફાઈ કર્મચારીઓ અને 254 સુપરવાઇઝર દ્વારા રાત્રી દરમ્યાન કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં 80,000થી વધુ ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય યાત્રા વહેલી સવાર સુધી ચાલતી રહી અને વિસર્જન યાત્રા જોવા માટે હજારો લોકોએ ભાગ લીધો.

વિસર્જન પછી પડેલા 117 મેટ્રિક ટન કચરાની તરત જ સફાઈ માટે પાલિકા દ્વારા વિશાળ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો. 16 JCB, 27 ટ્રક, 175 ડોર-ટુ-ડોર ગાડીઓ, 140 ઈ-વ્હીકલ અને 35 મિકેનિકલ સ્વીપર મશીન સાથે વિશાળ કાયૅકલા અપનાવવામાં આવી. સફાઈ કામગીરી રાત્રી દરમ્યાન પૂર્ણ કરવામાં આવી અને સવાર સુધીમાં રસ્તાઓ ફરી ચોખ્ખા ચણાક દેખાવા લાગ્યા.

આ ઉપરાંત વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે ગણેશ વિસર્જન યાત્રા નિહાળવા માટે આવેલા કે યાત્રામાં જોડાયેલા લોકોને કોઈ મેડિકલ સારવારની જરૂર પડે તે માટે દરેક ઓવારા પર ટીમ તૈયાર રાખી હતી. જેમાં  દિવસ દરમિયાન તમામ મેડિકલ ટીમો દ્વારા કુલ 27 જેટલા દર્દીઓ કે જેમાંથી 7 સામાન્ય ઇજા, 5 ખેંચના તથા 15 અન્ય તકલીફ સાથેના દર્દીઓએ સ્થળ પર સારવાર આપવામાં આવેલ હતી. જેમાંથી 5 જેટલા ખેંચના દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.