ભાવનગર: 1 માર્ચે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પર્વતારોહક જિજ્ઞેશ ઠાકરનું તસવીર પ્રદર્શન ‘હિમાલય’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેઇનરિંગ એટલે કે તસવીરી પત્રકારત્વ અને પર્વતારોહણનો અનોખો સમન્વય જોવા મળશે.
ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનાં પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે કાર્યરત જિજ્ઞેશ ઠાકરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખ સહિતના વિસ્તારોમાં 15 વર્ષમાં કરેલા શિખર આરોહણ દરમિયાન ત્યાંનું લોકજીવન, વાતાવરણ, કૃષિ, શિક્ષણ જેવા વિષયો પરના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે.
સવારે 11 કલાકે વરિષ્ઠ તસવીરકાર અમુલભાઈ પરમારના હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાયા બાદ સાંજના 7 કલાક સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે જાહેર જનતા આ પ્રદર્શનને નિહાળી શકશે.