ગાંધીનગર- ઘેરઘેર સવારમાં પહોંચી જતાં દૂધના પાઉચની જેમ ઘરઆંગણે તરોતાજા શાકભાજી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જોકે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ લાભ હાલપૂરતો ગાંધીનગરના નાગરિકોને મળશે.શાકભાજી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ગ્રાહકોને તાજા શાકભાજી મળી રહે તે હેતુસર ગાંધીનગર જિલ્લામાં નવતર પ્રોજેક્ટ હાથ ધરીને દૂધની જેમ હવે શાકભાજી પણ સહકારી ધોરણે ગ્રાહક સુધી પહોંચાડાશે. આ અંગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત નિયામક અને મધુર ડેરી સાથે સમજૂતી કરાર કરાયાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મધુર ડેરીના સભાસદો અને શાકભાજી ઉગાડતા અન્ય ખેડૂતો પાસેથી શાકભાજી મેળવીને શોર્ટીંગ-ગ્રેડીંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગ કરીને બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવશે. દૂધની માફક હવે શાકભાજી પણ સહકારી ધોરણે ગ્રાહક સુધી પહોંચાડવાની આગવી પહેલ કરાઇ છે. આ પ્રોજેક્ટથી નોકરિયાત મહિલાઓ, વ્યસ્ત રહેતી ગૃહિણીઓ માટે મધુર બ્રાન્ડની શાકભાજી ઓર્ડર મુજબ ઘરઆંગણે મળી રહે તે માટે ખાસ વેચાણ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. બાગાયત નિયામક ડૉ. પી.એમ.વઘાસીયાએ આ પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્યમાં આ પ્રકારના પ્રોજેક્ટનું મોટા સ્તરે વિસ્તરણ થાય તેવી આશા વ્યક્ત કરી છે.
એમ.ઓ.યુ. કર્યા બાદ મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણાએ જણાવ્યુ હતું કે, ખેડૂતો શાકભાજીનું સીધું વેચાણ કરી શકે તે માટે રાજ્ય સરકારે માર્કેટ વ્યવસ્થામાં પણ સુધારો કર્યો છે ત્યારે,દૂધ સંપાદન અને વેચાણના માધ્યમની જેમ જ સહકારી ધોરણે જે તે ગામમાંથી શાકભાજી ખરીદીને જે તે ગામમાં વજન કરાવી, પ્રોસેસીંગ પ્લાન્ટ ઉપર લાવી શાકભાજીને સાફ કરી ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામમાં પેકીંગમાં મધુર ડેરીના વેચાણ કેન્દ્ર ઉપરથી તેનું વિતરણ કરવાનો આ એક પ્રથમ પ્રયાસ બની રહેશે. ગુજરાતની સહકારી ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે આ એક આગવો પ્રયાસ છે. ગુજરાત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતાના બાગાયત નિયામક અને મધુર ડેરીના મેનેજીંગ ડિરેક્ટરના વડપણ હેઠળ આ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે