અમદાવાદ: માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શોધ પ્રકલ્પ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત અને શ્રી હ.કા. વાણિજ્ય મહાવિદ્યાલય, અમદાવાદ દ્વારા “સામાજિક સંશોધનમાં માતૃભાષાની ભૂમિકા” વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી ભાષાને વધુ ને વધુ પ્રચલિત કરવા, જીવંત રાખવા તજજ્ઞોએ અભિપ્રાયો, ઉદાહરણ અને સૂચનો આપ્યા હતા.
ગુજરાત વિદ્યાપીઠના માનદ્દ નિયામક અને જાણીતા સંશોધક વિદ્યુત જોષીએ ગુજરાતી ભાષાને જીવંત રાખવા વધારે સારી રીતે શીખવા યુવાનોને મોબાઇલ ફોનના ઉપયોગની સરળ સમજણ આપી. એમણે કહ્યું, મોબાઇલ ખોલો અને પ્લે સ્ટોરમાં જઇ ભગવદ ગોમંડલ, સાર્થ જોડણી કોશ ડાઉન લોડ કરી લો, મેં પણ કરેલા છે. ભાષાને સતત લખો, ભૂલોની પરવા કર્યા વગર. વ્યવહાર, વ્યાપારમાં બોલાતા શબ્દો આપણી ભાષા છે. શબ્દો, ભૂલોને વળગી રહેવા કરતાં ભાષાને જીવંત રાખવી જરૂરી છે. 250 વર્ષે ભાષામાં ઘણાં ફેરફારો થતા રહે છે.
એચ.કે. કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા માતૃભાષા મહોત્સવમાં પ્રો. રમેશ કોઠારી – વીર નર્મદ યુનિવર્સિટી સુરત, પ્રો. પ્રસાદ બ્રહ્મભટ્ટ – ગુજરાત યુનિવર્સિટી, ડો. આશિષ દવે, ડો. જયેન્દ્રસિંહ જાદવ – ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રા. શૈલેષ ગઢવી જોડાયા હતા.
ભાષાને સાંભળવા અને મજબુત બનાવવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ)
