અમદાવાદઃ રાજ્યમાં મોરબની પૂલ દુર્ઘટનામાં ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યાં છે. આ મામલે તપાસકર્તાઓને દાવો કર્યો હતો કે આ પૂલની મરામત માટે ફાળવવામાં આવેલા રૂ. બે કરોડમાંથી માત્ર રૂ. 12 લાખ જ ખર્ચવામાં આવ્યા હતા. જેથી બાકીના પૈસા ચાંઉ થવાની આશંકા છે. અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ મોરબીના સસ્પેશન કેબલ બ્રિજને નવીનીકરણ અને મરામત માટે જવાબદાર હતું. ઓરેવા ગ્રુપ અજંટા ગ્રુપની સબસિડિયરી કંપની છે. પૂલની મરામત માટે ફાળવવામાં આવેલી રકમમાંથી માત્ર છ ટકા જ ખર્ચ કરવામાં આવ્યા હતા.
ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ કે જેમને 15 વર્ષ માટે પૂલની મરામત અને જાળવણી માટેનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, તેમણે 24 ઓક્ટોબરે ઘોષણા કરી હતી કે નવા વર્ષે પૂલને ફરી ખોલવામાં આવશે અને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોનાં મોત થયાં છે.
આ પૂલ દુર્ઘટનામાં કંપનીની અનેક ગેરરીતિઓને ઉજાગર થઈ છે. ગ્રુપે આ પૂલની જવાબદારી માટે પેટા કોન્ટ્રેક્ટ ધ્રાંગધ્રા સ્થિત કંપની દેવપ્રકાશ સોલ્યુશન્સને આપ્યો હતો. આ કંપની પાસે ટેક્નિકલ જાણકારીનો અભાવ હતો. આ પૂલની મરામત પરના ખર્ચનાં નાણાંનો ઉલ્લેખ દેવપ્રકાશ સોલ્યુશન્સ પાસેથી દસ્તાવેજોમાં મળે છે.
આ પૂલની મરામત ભાગરૂપે માળખાને મજબૂત કરવાને બદલે પૂલ પર કલરકામ, ગ્રીસિંગ અને અન્ય નાનામોટા કામ કરવામાં આવ્યાં હતાં. આ પૂલની જાળવણી અને મરામત માટે માર્ચ, 2022માં મોરબી નગર પાલિકા અને અજંટા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. વચ્ચે 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો.