જાણીતા પરિવારમાં સગા ભત્રીજાએ કરી કાકાની હત્યા, નાણાંનું કારણ…

મોરબીઃ મોરબીમાં એક ધંધાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. રુપિયાની લેતીદેતી બાદ ઠપકો આપવામાં આવ્યો ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ હત્યા કરી છે. ટ્રાવેલ્સના ડ્રાઇવરને જયરાજે રૂપિયા આપ્યા હતા, આ બાબતે કાકાએ તેને ઠપકો આપીને તમાચો મારી દીધો હતો. જે બાદમાં ભત્રીજાએ ષડયંત્ર રચીને કાકાની હત્યા નિપજાવી હતી.

આ મામલે જયરાજે મોડી રાત્રે કાકાને સમાધાન માટે બોલાવ્યા હતાં. ટીનુભા અન્ય લોકો સાથે પહોંચ્યા હતાં ત્યારે જયરાજ તેમ જ તેના મળતિયાઓએ તેમની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખી હતી. બનાવમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે આ મામલે મૃતકના ભત્રીજા જયરાજ જાડેજા, અજયસિંહ વિજયસિંહ જાડેજા સહિત પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ખોડીયાર ટ્રાવેલ્સ મોરબીથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલે છે.