Monsoon Update: 24 કલાકમાં 181 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ ફરી એક વખત મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. ત્યારે સૂત્રની માહિતી પ્રમાણે આગામી 3 ઓક્ટોબર સુધીમાં ગુજરાત માથી ચોમાસુ વિધીવત રીતે વિદાય પણ લેવાનું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં નોંધપત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અમરેલીના લીલીયામાં 3.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં પણ 3.5 ઇંચ વરસાદ, વડોદરામાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 27 સપ્ટેમ્બરના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં અને 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળ તેમજ અરબ સાગરના ભેજના કારણે મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમ સક્રિય રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા રહેશે.