રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ રાજ્યમાં ફક્ત છુટાછોવાયો વરસાદ નોંધાવાની શક્યતા છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદનું જોર સામાન્ય ઘટીતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વડોદરામાં વરસાદ વરસ્યો હતો.
આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી ચાર દિવસ માટે નહિવત્ રહેશે. અત્યારસુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યનો સિઝનનો એવરેજ 68.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં પોણા ચાર ઈંચ, પાવી જેતપુરમાં, બોરસદ, છોટા ઉદેપુર, જાંબુઘોડામાં બે ઈંચ, બોડેલી, ગોધરા, સુરત શહેર અને પેટલાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.