અમદાવાદઃ કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા એકાએક વાદળ છવાયા અને કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તો આ સાથે જ અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ગત સપ્તાહે જ આગાહી કરવામાં આવી હતી કે આવતા સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાં રાહત પ્રાપ્ત થશે. પરંતુ હવામાન ખાતાની આગાહીથી એક સ્ટેપ વધારે વાતાવરણ બદલાયું અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો અને ક્યાંક વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 16 એપ્રિલ સુધી રાજ્યમાં આ પ્રકારની અસર જોવા મળશે.
જામનગરના વાતાવરણમાં સવારથી જ પવનની ગતિ સાથે વાતાવરણમાં ફેરફાર થયો છે. પવનની ગતિને લઇને વાહન ચાલકોને પણ પરેશાની પડી હતી. મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો છે. ચોમાસા જેવો ઠંડો ફેકવા લગાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ છે. વાતાવરણ વાદળછાયું બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ કચ્છમાં પવનનો મારો ઝીંકાયો છે.
તાપીના સોનગઢ વિસ્તારમા સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ગત રાત્રિએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. ત્યારે આજે પણ આખા દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ, કેરીઓને પણ નુકશાન થઈ શકે છે. તાપી જિલ્લા વ્યારા, ડોલવણ, વાલોડ વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન વરસાદ પડ્યો હતો. તો નવસારીમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતા વાપી પંથકમાં મોડી સાંજે ધીમો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ આંબાવાડીના માલિકોમાં કમોસમી ચિંતાનું મોજુ છવાઈ ગયું છે.