મોદીએ અમદાવાદમાં ઝાયકોવ-ડી વેક્સિનની સમીક્ષા કરી

અમદાવાદઃ કોરોના કેન્દ્ર બની રહેલું અમદાવાદ હવે વેક્સિન કેન્દ્ર પણ બની રહ્યું છે, ત્યારે ઝાયડસ ફાર્માની કોવિડ-19ની વેક્સિન ઝાયકોવ-ડીની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વડા પ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદ વેક્સિનની સમીક્ષા માટે આવી પહોંચ્યા હતા. તેમણે ચાંગોદર સ્થિત ઝાયડસ કેમ્પસની મુલાકાત લીધી અને કંપનીના વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે વેક્સિનની સમીક્ષા કરી હતી. મોદીએ PPE કિટ પહેરીને કંપનીના પ્લાન્ટમાં વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક રોકાયા હતા.

ઝાયડસ કેડિલાની આ વેક્સિન આવતા માર્ચ સુધીમાં તૈયાર થઇ જવાની શક્યતા છે. કંપની 17 કરોડ વેક્સિન બનાવવાની તૈયારી કરી રહી છે.

https://twitter.com/narendramodi/status/1332581562567725056

ઝાયડસની ત્રીજી પેઢીને મળ્યા વડા પ્રધાન
ઝાયડસના પંકજભાઈના પુત્ર શર્વિલ અત્યારે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. શર્વિલભાઈને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઝાયડસના ચાંગોદર પ્લાન્ટમાં વડા પ્રધાનને પંકજભાઈ અને શર્વિલભાઈએ આવકાર્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી તેમના પરિવારને મળ્યા હતા. વડા પ્રધાને પરિવારનાં બંને બાળકો સાથે લગભગ 5-7 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને તેમની સાથે હસી-મજાકની વાતો કરી હતી.

 વડા પ્રધાન હૈદરાબાદ જવા રવાના

વડા પ્રધાન મોદી અમદાવાદથી હૈદરાબાદ પહોંચી ગયા છે.અહીં સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’ બનાવી રહેલી કંપની ભારત બાયોટેકના રિસર્ચ સેન્ટરમાં જશે. અને પછી 4.30 વાગ્યે પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જશે.