રાજ્યમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવો અંદાજ છે જોકે 24 કલાક બાદ ફરી મહત્તમ તાપમાન વધવાનું શરૂ થશે.

હવામાન વિભાગે જણાવ્યું  હતું કે ઉતર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ અને ક્ચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વિભાગે જણાવ્યું હતું કે  સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વીજળીના ચમકારા સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે IPL રમાવાની છે. રાજ્યમા વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વારંવાર માવઠું થઈ રહ્યું છે. આ માવઠાને લીધે કૃષિ પાકને નુકસાન થઈ રહ્યુ છે અને બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.બીજી બાજુ, રાજકોટના ઉપલેટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતાં ઘઉં, ધાણા, તલ અને જીરુના પાકને નુકસાન થવાની ભીંતિ છે.