ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે MG મોટર ઇન્ડિયાએ ZS EV ઇલેક્ટ્રિક કાર આપી છે. કંપનીએ સ્કિલ ડેવલપમેન્ટને ઉત્તેજન આપવા તેમ જ શિક્ષણજગત અને ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે આ કાર ચારુસેટને ભેટ આપી છે. ચારુસેટને આ કારની ભેટ મળવાથી વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટને ઉત્તેજન મળશે અને તેઓ વધારે સારી રોજગારીની તકો પ્રાપ્ત કરી શકશે.
આ પ્રસંગે ચારુસેટ યુનિવર્સિટી અને MG મોટર ઇન્ડિયા વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoU પર હસ્તાક્ષર દરમિયાન ચારુસેટ તરફથી માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, CSPITના પ્રિન્સિપાલ ડો. વાય. પી. કોસ્ટા, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, વિવિધ વિભાગોના વડાઓ, સ્ટાફ તેમ જ MG મોટર ઇન્ડિયા તરફથી પ્રોડક્ટ એન્જિનિયરિંગના ડાયરેક્ટર સમીર જિંદાલ, જનરલ મેનેજર (HR) મૌસમ જોશી, ડેપ્યુટી મેનેજરો કનિષ્કા સિંદે, મૈત્રી ચૌહાણ અને ચેતના યાદવ અને મેનેજર ગણેશ ભદાનગે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ MG નેચર પ્રોગ્રામના ભાગરૂપે છે અને MG મોટર ઇન્ડિયાના કેસ મોબિલિટીના લક્ષ્ય સાથે સુસંગત છે. MG મોટર ઇન્ડિયાના પ્રોડક્ટ એન્જિનિયરિંગના ડાયરેક્ટર સમીર જિંદાલે જણાવ્યું હતું કે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે આ ભાગીદારી કરવાની અમને આનંદ થયો છે. આ ભાગીદારીથી મોબિલિટી સેગમેન્ટમાં વર્તમાન પેઢીનો સ્કિલ ડેવલપમેન્ટ થશે. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે MG મોટર દ્વારા આ યોગદાન અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સ્કિલ સેટ તરીકે એડવાન્સ્ડ વેહિક્યુલર ટેકનોલોજીનો ઉમેરો થશે.
CSPITના પ્રિન્સિપાલ ડો. વાય. પી. કોસ્ટાએ આ પહેલને આવકારતાં જણાવ્યું હતું કે કંપનીની પહેલથી ઇન્ડસ્ટ્રી અને એકેડમી વચ્ચે જે ગેપ છે તે વહેલી દૂર થશે અને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત થશે અને પોતાનું કૌશલ્ય વિકસાવી શકશે. આ MOUને કારણે વિદ્યાર્થીઓ ટેકનોલોજીની દ્રષ્ટિથી આધુનિક ઇલેક્ટ્રિક વેહિકલ્સની વિવિધ ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને મેકેનિકલ સિસ્ટમ પર સંશોધન કરી શકશે. વિવિધ પાર્ટસ, ટેકનોલોજી અને સિસ્ટમ્સનો અભ્યાસ કરી શકશે અને તેમને કારના એસ્થેટિક અને ઇન્ટિરિયર ડિઝાઇનનાં પાસાં વિશે જાણવાની તક મળશે.