ગુજરાતમાં નસેડી પદાર્થોની હેરાફેરી દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે વડોદરામાંથી વધુ એક નસીલા પદાર્થનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કેરિયરને ઝડપી પાડી રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. આખી વાત એમ છે કે, ડભોઇ રોડ ઉપર વુડાના મકાનમાં ભાડેથી રહેતો અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મેફેડ્રોનનો જથ્થો મંગાવી ડિલિવરી આપનાર હોવાની વિગતો મળી હતી.
SOGને મળેલી બાતમીને આધારે તેમણે કપુરાઈ ચોકડી પાસે વોચ રાખી હતી. પોલીસે શકમંદ હાલતમાં નજરે પડતા અશોક મહિપાલ મેઘવાલને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂ.6.66 લાખની કિંમતને 66 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે લીધો હતો. આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા કાળુ એ મોકલ્યું હોવાની વિગતો ખુલતા તેમજ તાંદલજા વિસ્તારના નીલોફર સલમાનને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તો બીજી બાજું પ્લાસ્ટિકની સ્ટ્રોની આડમાં લાખોનો દારૂ ઘુસાડવાની મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે દારૂની હેરાફેરી કરતા કન્ટેનરને ઝડપી લીધી. સાથે જ પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. વલસાડ પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂનું કન્ટેનર ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્લાસ્ટિકની સ્ટ્રો અને ફ્રૂટી બનાવવા માટે રોલના બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકનો રોલ હટાવી કન્ટેનરની તપાસ કરતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 5.52 લાખના વિદેશી દારૂ અને કન્ટેનર મળી 16.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રમાકાંત પ્રસાદ અને રવિશંકર પાંડે નામના આરોપીઓને પણ દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો દમણથી ભરૂચ તરફ લઈ જવાઈ રહ્યો હતો. હાલ તો પોલીસે દારૂ કોણે મંગાવ્યો હતો અને અત્યાર સુધી કેટલી વખત દારૂની હેરાફેરી કરવામાં આવી છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)