ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ..

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝન સૌથી સારો વરસાદ નોંધાય રહ્યો છે. તો બીજી બાજું આજે અંતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે.સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભાભરમાં 1.1 ઈંચ, થરાદમાં 1 ઈંચ, વાવમાં 20 મીમી, દિયોદરમાં 17 મીમી, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 13 મીમી, સુઈગામમાં 10 મીમી, ડીસામાં 4 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ ખાબક્યો હતો.

આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વડગામમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં 2.2 ઈંચ, દાંતા દોઢ ઈંચ, સુઈગામમાં 18 મીમી, અમીરગઢમાં 15 મીમી, ડિસામાં 5 ઈંચ, કાંકરેજમાં 3 મીમી અને થરાદમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

તો આ બાજું સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. પાણી ભરાય એ પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી તેમજ એક કાર પાણી ડૂબી જતાં સીડી વડે કારમાં સવાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી. આસપાસનાં ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.