ગાંધીનગર- મહાત્મા મંદિરમાં આજથી બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સમિટનું ઉદઘાટન કરતાં સીએમ રુપાણીએ બ્રાહ્મણોના જાગતિક સામાજિક યોગદાનને મૂલવ્યું હતું. સાથે જ્ઞાતિવાદી રાજકારણ સંદર્ભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સમાજના ભાગલા પાડવા માંગતી નથી, સમાજને જોડવા માંગે છે. આ માટે સત્તા જવી હોય તો જાય પણ સમાજને જ્ઞાતિના વાડામાં તો નહી જ વહેચીશું.બ્રાહ્મણ સમાજે સદીઓથી સમાજને હરહમેંશા જોડવાનું અને સાચી દિશામાં લઇ જવાનું ઉમદા કામ કર્યું છે.અભ્યાસ, ચિંતન અને રીચર્સ કરવાની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં છે. જેના કારણે તે સમાજને જ્ઞાન આપી રહ્યો છે. દેશના નિર્માણ, સંસ્કૃતિને સાચવવા- ટકાવવા બ્રહ્મ સમાજનું યોગદાન મહત્વનું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજે દેશને ૫-રાષ્ટ્રપતિ, ૫૦-રાજયપાલ, ૭-વડાપ્રધાન આપ્યાં છે. તેમજ દેશમાં મળેલા આઠ નોબલ પારિતોષિકમાંથી ૭ નોબલ પારિતોષિક બ્રહ્મ સમાજના લોકોને મળ્યાં છે.
રુપાણીએ જણાવ્યું હતું કે ૫૮ જ્ઞાતિઓ કે જેને અનામતનો લાભ નથી મળતો તેવી જ્ઞાતિઓના યુવાનોને આગળ લાવવા માટે સરકાર દ્વારા બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી છે. બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટના પ્રદર્શનનું ઉદઘાટન રૂપાણીના હસ્તે કરાયું હતું. જેમાં 90 જેટલા ઉધોગ સાહસિકોના સ્ટોલ છે. આ બિઝનેસ સમિટમાં 1200 થી વધુ બ્રહ્મ ઉદ્યોગ સાહિસકો ભાગ લઇ રહ્યા છે. 10 હજારથી વધુ બેરોજગારોને રોજગારીની તક મળશે. બે લાખથી વધુ લોકો મુલાકાત લેશે. બેરોજગારોને ઉદ્યોગ લધુ ઉદ્યોગ સ્થાપવા માટે અને સરકારી નોકરી કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે સરકારી અધિકારીઓ માર્ગદર્શન આપશે.