આ વર્ષે બિરલા ફાઉન્ડેશનનું ‘સરસ્વતી સન્માન’ પામશે આ સાહિત્યકાર

મુંબઇ- ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ-લેખક તથા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રને તેમના કાવ્યસંગ્રહ ‘વખાર’ માટે 2017નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે.શુક્રવારે કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સાહિત્ય અકાદમી સન્માનિત સિતાંશુ યશશ્ચંદ્રને આ સન્માન સાથે 15 લાખ રુપિયા રોકડા તથા પ્રશસ્તિપત્ર મળશે.

1941માં ભૂજમાં જન્મેલા સિતાંશુ યશશ્ચંદ્રનો ઉછેર અને અભ્યાસ વડોદરા તથા મુંબઈમાં થયેલો છે. તેમનો કાવ્યસંગ્રહ ‘વખાર’ 2009માં પ્રકાશિત થયો હતો. સિતાંશુ યશશ્ચંદ્ર કવિતાને પરાવાસ્તવવાદી વળાંક આપે છે. આ માટે તેઓ લય, છંદ અને ભાષાની સીમાઓ પણ ઓળંગે છે. ‘વખાર’સાત ઘટકમાં વહેંચાયેલો સંગ્રહ છે.

સિતાંશુ યશશ્ચંદ્ર લિખિત અન્ય નાટકો પણ જાણીતા છે. 1999માં તેમના એકસાથે 6 નાટકો પ્રસિદ્ધ થયાં હતાં. જેમાં છબીલી રમતી છાનુંમાનું, કેમ મકનજી ક્યાં ચાલ્યાં, લેડી લાલકુંવર, આ માણસ મદ્રાસી લાગે છે, તોખાર તથા ખગ્રાસનો સમાવેશ થાય છે.