જાણો, જાતિ અત્યાચારના કિસ્સાઓમાં બે વર્ષમાં ચૂકવાઈ આટલા કરોડની સહાય…

ગાંધીનગર- મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠક મળી હતી જેમાં મુખ્યત્વે અનુસૂચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો  પર વિશેષ ધ્યાન આપી તેમને સામાજિક ન્યાય મળે, રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાથી રાજ્ય સ્તરીય સુધી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ કરાયું હતું.આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી,પ્રધાનો ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા તેમ જ સાંસદ વિનોદ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

સીએમ રુપાણીએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકાર પ્રતિબદ્ધ છે.

અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા બે વર્ષમાં રૂ. ૩૩ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૮ કરોડ ૯૦ લાખ સહાય અપાઇ છે.
રાજ્યમાં અત્યાચારના કેસોમાં કન્વીકશન રેટ ૩.૭૮ ટકાનો પાછલા બે વર્ષમાં રહ્યો છે. આવા અત્યાચારના કેસો માટે ૧૬ એકસલુઝીવ સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગુનેગારને ત્વરાએ સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્ચિત કર્યુ છે.

સીએમે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખી આવી કોઇ ઘટનાઓ ધ્યાનમાં આવે કે તરત જ ઓન ધ સ્પોટ પગલાં લેવા અને સ્થળ પર જઇ સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેવી વ્યવસ્થા માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવા તાકીદ કરી હતી.