સુરતઃ રઘુવીર માર્કેટમાં કાપડની કંપનીમાં ભીષણ આગ

સુરતઃ શહેરના રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 55 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધૂમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે.

સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતાં શહેરના તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ રઘુવીર માર્કેટ ખાતે દોડી આવી હતી અને હાલ આગ પર કાબૂ મેળવાવા પ્રયાસ કરી રહી છે. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધા ધરાવતી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં માર્કેટની આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવ્યાં હતાં. લોકોના ટોળા ઉમટતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવામાં સહકાર આપ્યો હતો.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અમે સાત કલાકથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ ફ્લેશ ફાયરના લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બિલ્ડીંગમાં 14 ફ્લોર આવેલા છે અને તમામ ફ્લોર પર અમારા કર્મચારીઓ પહોંચી ગયા છે. આગળના ભાગમાં લાગેલી આગ પાછળ તરફ પહોંચે નહી તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગનું તાપમાન 1000 ડિગ્રીથી વધુ છે.

આગનું તાપમાન વધી રહ્યું છે તેના લીધે બિલ્ડીંગ ધરાશાયી થવાના ચાન્સ વધી જાય છે. અલગ-અલગ પ્રકારના કાપડ હોવાથી તે અલગ પ્રકારે આગ પકડે છે. પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે.