સુરતમાં સમૂહલગ્નઃ ૨૬૧ ‘લાડકડીઓ’નું પાલક પિતાઓએ કન્યાદાન કર્યું

સુરત – સુરતસ્થિત પી.પી. સવાણી પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના પ્રધાનો, ધર્મગુરુઓ સહિત અનેક મહાનુભાવોએ પિતાવિહોણી ૨૬૧ દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. પી.પી.સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૩ ખ્રિસ્તી, 6 મુસ્લિમ સહિત ૨૫૨ કન્યાઓને પરણાવીને વિદાય આપવામાં આવી હતી.

ગ્રુપના ચેરમેન મહેશભાઇ સવાણીએ સ્વાગત પ્રવચન જણાવ્‍યું કે, છેલ્લા સાત વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતરિવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહલગ્નમાં જોડાયો છે, જે બદલ સૌને અભિનંદન.

આ વર્ષે ૨૬૧ લાડકડી દીકરીઓ પૈકી ૬ મુસ્‍લિમ, ત્રણ ખ્રિસ્‍તી દીકરીઓ પણ એમના પરંપરાગત રીતરિવાજોથી લગ્નગ્રંથિથી જોડાઈ હતી. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે આ માત્ર લગ્નોત્સવ નથી આ એક ભગીરથ યજ્ઞોત્સવ છે. આ સામાજિક કાર્યરૂપી દૈવી આહુતિ છે. જે બાળાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેના આધાર થવાનો આ યજ્ઞ છે. મોવલીયા અને સવાણી પરિવાર આ કાર્ય માટે ધન્યવાદને પાત્ર છે. દરેક દીકરી પરિવારનું સન્માન જાળવે. સાસુ-સસરા માતા-પિતા બનીને આ દીકરીઓને સાચવે.

રૂપાણીએ આ પ્રસંગે વિશેષ હાજરી આપી કન્યાઓને આશીર્વાદ આપી, સવાણી અને મોવલીયા પરિવારના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે સવાણી પરિવારે જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે.

આ પ્રસંગે દીકરીઓએ મહેશભાઈ સવાણીને લખેલા પત્રોનું પુસ્તક ‘લાડકડી’નું વિમોચન રૂપાણી, રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જાણીતા લોકગાયિકા યોગિતા પટેલ લિખિત, સ્વરાંકન કરેલી અને ગયેલા ગીત “લાડકડી”નું લોકાર્પણ થયું હતું. ઓલ ઇન્ડિયા એન્ટી-ટેરરિસ્ટ ફ્રન્ટના મનિન્દરજીત સિંહ બિટ્ટા, આદિજાતિ ખાતાના પ્રધાન ગણપતસિંહ વસાવા, શિક્ષણ પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડીયા, મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

લોકસેવા જનજન સુધી પહોંચે તેવા આશયથી પી.પી. સવાણી પરિવાર દ્વારા તમામ સમાજો એક મંચ ઉપર આવે અને માહિતી એક સ્‍થળેથી મળી રહે તેવા આશયથી વેબસાઇટ www.socialway.orgનું લોન્‍ચિંગ પાંચ દીકરીઓના હસ્‍તે કરાયું હતું.

35 જેટલા દંપતીને તાત્કાલિક લગ્ન મંડપમાં જ લગ્નનોંધણી કરીને નવદંપતીને સરકારી તંત્રએ લગ્નનોંધણી પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે પરણેલા દરેક દંપતીમાં વર-કન્યા બંનેના ‘પ્રધાનમંત્રી બીમા યોજના’ હેઠળ બે-બે લાખ રૂપિયાના અકસ્માત વીમા ઉતરવામાં આવ્યા હતા.

રિઝવાન આડતિયાએ પરણેલાઓ પૈકી ડ્રો દ્વારા પસંદ થયેલા 10 નવદંપતીને સિંગાપોર-મલેશિયાની હનીમુન ટૂરની ભેટ આપી હતી. બાકી રહેલા ૨૫૧ નવદંપતીને પી.પી. સવાણી અને બટુકભાઈ મોવલીયા પરિવાર દ્વારા કુલુ-મનાલીની હનીમુન ટ્રીપની ભેટ આપવામાં આવી હતી. કેપ્ટન નયુમ સૈયદ, કિયાન એરવેઝ દ્વારા ૬૦ દીકરીઓને ‘સુરત દર્શન’ની હેલિકોપ્ટર રાઈડ ભેટ આપવામાં આવી હતી.





















DCIM100MEDIADJI_0031.JPG