સુરતમાં ૨૨મો ધાવણદાન મહોત્સવ: 138 માતાઓએ નિભાવ્યો યશોદા માતાઓ તરીકેનો ધર્મ

સુરત – આજે ૨૩ ડિસેમ્બરના રવિવારે અત્રેના કૃષિમંગલ હોલ ખાતે ૨૨મા ધાવણદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પિડીયાટ્રીક એસોસીયેશન ચેરીટેબલ ટ્રસ્ટ, સ્મીમેર યશોદા મિલ્ક બેંક, રોટરી સુરત સીફેસ, સુરતી મોઢ વણિક મહિલા મંડળ, લાલચુડા કડવા પાટીદાર સમાજ, કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ૧૩૮ દાનવીર માતાઓ દ્વારા ધાવણદાન કરવામાં આવ્યું હતું અને કુલ ૯,૪૧૦ મિ.લી. દૂધ એકત્ર થયું હતું.

ધાવણદાન માત્ર મહિલા જ કરી શકે છે અને તે પણ માત્ર એ સમયે જયારે એ પોતાના બાળકને પોતાનું દૂધ આપી રહી હોય. દરેક માતા પોતાના બાળકને પોતાનું દૂધ આપે એ જરૂરી છે જ પણ સાથે સાથે આજે ૧૩૮ યશોદા માતાઓ દ્વારા પોતાના દૂધનું દાન અન્ય બાળક માટે કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ઘણા લોકો આર્થિક રીતે મદદરૂપ થાય છે જેમાં સ્વર્ગવાસી જયબાળાબેન ખાટીવાળાની યાદમાં પ્રવિણભાઈ દ્વારા અને સ્વર્ગવાસી તારાબેન તુલસીદાસ ગાંધી દ્વારા અને રોટરી સીફેસના કુંજ પન્સારી દ્વારા મદદ કરી હતી. કૃષિમંગલ ના ટ્રસ્ટીઓ દ્વારા ફ્રીમાં જગ્યા આપવામાં આવી હતી. દરેક માતા અને બાળકને એક પ્રતીકાત્મક ગિફ્ટ પણ આપવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલના યશોદા મિલ્ક બેંક સાથે જોડાયેલ ડોક્ટર્સ અને સ્ટાફ અને સુરત પિડીયાટ્રીક એસોસીયેશન ચેરીટેબલ ટ્રસ્ટના ડોક્ટર્સ  દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અવિરત આ કેમ્પમાં મેડિકલ સેવા આપવામાં આવી રહી છે.

કેમ્પમાં સ્વૈચ્છિક સેવા આપનાર સ્વયંસેવકોને રોટરી સીફેસ તરફથી પ્રતીકાત્મક ભેટ આપવામાં આવી હતી અને કુંજ પન્સારી દ્વારા હાજર દરેકને માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સુરત સીફેસ, સુરતી મોઢ વણિક મહિલા મંડળના મીનાક્ષીબેન બોડાવાલા, લાલચુડા કડવા પાટીદાર સમાજના નીતાબેન પટેલ , કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળના સરોજબેન છાભેયા ના સંયુક્ત પ્રયત્ન દ્વારા ૧૩૮ માતાઓએ ધાવણ દાન કર્યું હતું. બે માતાઓ દ્વારા એવું કહેવાયું કે એમણે એક વાર દૂધ આપ્યું પછી થોડા સમય બાદ એમણે ફરીથી પોતાના દૂધનું દાન કર્યું હતું. એક માતા છેલ્લા ત્રણ કેમ્પમાં દર વખતે પોતાના દૂધનું દાન કરતા આવે છે.

સુરત પિડીયાટ્રીક એસોસીયેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના ડો. કેતન ભરડવા,  ડો. પ્રશાંત કારિયા, ડો. હિતેશ શિંદે,  ડો. હિતેશ જરીવાલા અને ડો. સ્નેહલ દેસાઈ અને સ્મીમેર યશોદા મિલ્ક બેંક ના ડો. નિરાલી મેહતા અને અન્ય સ્ટાફ દ્વારા આયોજકોનો આભાર માનવામાં આવ્યો હતો.

ધાવણ બેન્ક – હ્યુમન મિલ્ક બેન્ક વિશે જાણકારી…

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સુરત પિડિયાટ્રીકસ એસોસિયેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત, સુરત મહાનગરપાલિકા સંચાલિત ‘પ્રોજેકટ યશોદા’ હેઠળ છેલ્લા દસ વર્ષથી ધાવણ બેન્ક – હ્યુમન મિલ્ક બેન્ક ચાલી રહી છે. તો ચાલો જાણીએ એ વિષેની થોડી માહિતી…

1) ધાવણ બેન્ક – હ્યુમન મિલ્ક બેન્ક એટ્લે શું? 

દરેક બાળક માટે તેની માતાનું દૂધ જ સર્વોતમ છે પરંતુ કોઈ પણ કારણસર જ્યારે માતાનું દૂધ બાળકને મળી શકતું નથી ત્યારે માતાનું કાઢેલું દૂધ અને પછી બીજી કોઈ માતાનું દૂધ જ એ બાળક માટે ઉતમ રહે છે.

હ્યુમન મિલ્ક બેંક એ બ્લડ બેંકની જેમ જ સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી માતાનું દૂધ ભેગું કરે છે. દૂધમાં જંતુની તપાસ કરે છે અને દૂધને પાશ્ચ્યુરાઈઝ કરીને તેનો સંગ્રહ કરે છે. પાશ્ચ્યુરાઈઝેશન એવી પ્રક્રિયા છે જે ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ તાપમાનમાં દૂધ ગરમ કરીને હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને તેથી આ દૂધ સંપૂર્ણ રીતે સલામત હોય છે. અપાયેલું આ દૂધ સામાન્ય રીતે અન્ય માતાનું હોય છે.

2) મિલ્ક બેંક ક્યાં આવેલી છે? 

1909ની સાલમાં વિએના શહેરમાં વિશ્વની સૌપ્રથમ હ્યુમન મિલ્ક બેંકની શરૂઆત થઈ હતી જ્યારે એશિયામાં સૌપ્રથમ મિલ્ક બેંક મુંબઈના ધારાવી વિસ્તારમાં ડો. અરમેડા ફર્નાન્ડિઝ દ્વારા 27 નવેમ્બર 1989ના “સ્નેહા” સંસ્થા નામથી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં સ્મીમેરમાં “યશોદા” નામથી છેલ્લા દસ વર્ષથી મિલ્કબેંક કાર્યરત છે.

3)  મિલ્ક બેંકમાં કોણ  દૂધ આપી શકે? 

કોઈપણ સ્તનપાન કરાવતી માતા કે જે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે અને કોઈ પણ પ્રકારની દવા નથી લેતી અને જે પોતાની ઈચ્છા દ્વારા દૂધની દાન કરવા ઈચ્છે છે, જે જરૂરી લગતી લોહીની તપાસ કરાવવા માટે તૈયાર છે અને જેનું બાળક માતાના દૂધ લીધા પછી સંતુષ્ટ થઈ જાય અને બાળકનો વિકાસ પણ સારો થઈ રહ્યો હોય એ સ્તનપાન કરાવતી માતા ધાવણનું દાન કરી શકે છે.

4) મિલ્ક બેંકમાં કોણ દૂધ ન આપી શકે? કઈ માતાઓ ધાવણ દાન કરી ન શકે?

મોઢ વણિક સમાજ દ્વારા 10મો ધાવણદાન મહોત્સવ

· જો માતાને એચ.આઈ.વી., હિપેટાઇટીસ-B , હિપેટાઇટીસ-C કે સિફિલિસનો રોગ હોય

· જો માતાના જાતીય પાર્ટનરને એચ.આઈ.વી., હિપેટાઇટીસ-B , હિપેટાઇટીસ-C કે સિફિલિસનો રોગ હોય

· માતા તંબાકુ, સિગારેટ કે દારૂનું સેવન કરતી હોય

· માતાને અસાધ્ય રોગ, જેવા કે કેન્સરની દવા ચાલુ હોય

· માતા બીજી કોઈ ગંભીર માંદગીમાં હોય

5) મિલ્ક બેંકમાં દૂધ કેટલો સમય રહી શકે? 

સામાન્ય રીતે 3-6 મહિના સુધી આ દૂધ સાચવી શકાય છે.

6) મિલ્ક બેંકનું દૂધ કોને આપી શકાય? 

· માતાને જ્યારે કોઈ પણ કારણસર દૂધ ઓછું આવતું હોય જેમકે કોઈ પણ સ્ટ્રેસને કારણે

· દત્તક લીધેલા બાળકને

· ત્યજી દીધેલા બાળકને

· જે માતાનું બાળકના જન્મ સમયે મરણ થયું હોય

· અધૂરા મહિનાના અને ઓછા વજનના જન્મેલા નવજાત શિશુને જ્યારે તેની માતાનું દૂધ પૂરું ન પડતું હોય

· માતાના દૂધથી નવજાત શિશુને થતી કોઈ ગંભીર બીમારીઓમાં

ભારતમાં દર ત્રીજું બાળક ઓછા વજનનું જોવા મડે છે અને આ ઓછા વજનના ત્રણમાંથી બે બાળકો અધૂરા મહિને જન્મેલા હોય છે. અધૂરા મહિને જન્મેલા બાળકોની માતાને પૂરતું દૂધ ન આવે અને એમને જ્યારે અન્ય દૂધ આપવામાં આવે છે ત્યારે એ દૂધ પચવામાં સરળ ન હોવાના કારણે નવજાત શિશુના આંતરડા તેનું પાચન કરી શકતા નથી. નવજાત શિશુને ઊલટીઓ થવી કે પછી ગંભીર કિસ્સામાં આંતરડું ફાટી ને નવજાત શિશુનું મૃત્યુ થવું પણ જોવા મળે છે. ત્યારે આ મિલ્કબેકના દૂધના કારણે નવજાત શિશુમાં આ તકલીફ નિવારી શકાય છે. મિલ્ક બેંકનું દૂધ બીજી માતાનું દૂધ હોવાથી એનામાં માતાના દૂધમાં રહેલા દરેક ફાયદા રહે જ છે.

7) મિલ્ક બેંકમાંથી દૂધ ખરીદી શકાય ખરું? 

આપણા સમાજમાં માતા દેવકીએ કૃષ્ણને જન્મ તો આપ્યો પણ તેનું પાલન કરનાર યશોદા માતાના દૂધનું મૂલ્ય મૂકી શકાય તેમ નથી એટલે કોઈ પણ જગ્યા પર માતાના દૂધનું વેચાણ થતું નથી.

દરેક માતા પોતાના બાળકને પોતાનું દૂધ આપવામાં ગર્વ અનુભવે છે અને સ્તનપાન કરાવનાર બાળકનું સ્વાસ્થ્ય ઘણું શરૂ રહે છે પરંતુ જ્યારે ઘણા બધા બાળકોને માતાનું દૂધ ન મળવાના કારણે ગંભીર તકલીફ થાય છે ત્યારે જો માતા યશોદા બનીને કેમ્પમાં કે મિલ્કબેંકમાં જઈને પોતાનાં દૂધનું દાન કરે છે ત્યારે થતી અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

‘માનું ધાવણ અમૃત સમાન 

ધાત્રી માતાઓનું અનોખું પ્રદાન,

યશોદામા ખિલવે કાન 

ધાવણ દાન ઉતમ દાન’.

8) શું મિલ્ક બેંકનું દૂધ સલામત છે? 

હા, 100 ટકા આ દૂધ સલામત છે કારણકે માતાના દૂધની દરેક જાતની તપાસ કરાયા પછી જ તે દૂધ બાળકને અપાય છે એટલે એ બિલકુલ સલામત છે. વધુમાં પાશ્ચ્યરાઈઝેશન કરેલા દૂધમાં જંતુઓનો પણ નાશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]