રાજકોટઃ બોરસદથી આગળનું રાસ-કંકાપુરા ગામ, 19મી માર્ચનો દિવસ અને આ દિવસે એંસી વર્ષના એક ડોશીમાએ ગાંધીજીને એક લિટીનો સવાલ પૂછ્યો કે હેં, વલ્લભભાઇ છૂટશે? ગાંધીજીએ કહ્યું, “જો તમે કહો કે અમારે ન જોઇએ ખેતર અને ઘરબાર અને બધાં જ બહારવટે નીકળી પડો તો અત્યારે જ વલ્લભભાઇ છૂટી શકે. જો આ તાકાત હોય તો મને પૂછજો. હું માર્ગ બતાવીશ…
આ ઓગણીસમી તારીખને સંબંધ હતો સાતમી માર્ચ સાથે. સાતમી માર્ચ, ઓગણીસસો ત્રીસ. આજે એ દિવસને, એ ઘટનાને બરાબર નેવું વર્ષ પૂર્ણ થયાં છે. સ્થિતિ એ સમયે અત્યંત હિંસક હતી. આજે પણ એવી છે. કારણ અલગ છે. હાલત એક સરખી, દેશમાં ભડ ભડ અગ્નિ હતો. આટલી હિંસકતા, અસહયોગ આંદોલનનું અપેક્ષિત નહીં એવું પરિણામ. બ્રિટિશ સરકારને અને આમ તો વિશ્વને એક મોટો સંદેશો આપવા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આપણને દાંડીકૂચના નામે કહેવાયેલી સ્ટોરી તો ઘણી નાની છે. પણ આ પ્રકરણ તો વિશ્વના ઇતિહાસનું એક સોનેરી પાનું છે.
દાંડીકૂચની વાત તો કદાચ અહીં 12મી માર્ચથી કરશું. નક્કી નથી, પ્રોમિસ નથી કરતો. ગાંધીજી શું હતા અને કોણ હતા એના માટે આ માર્ચ 1930ના સમયગાળાની ઘટનાઓમાંથી પસાર થવું જોઇએ. આપણે ઇતિહાસ માટે પણ આપણી પોતાને ફ્રેમ્સ બનાવીને રાખી છે. એમાં ફિટ થાય એ છબિ આપણી. એટલે ગાંધીજીને વખોડવા, આપણા વધી ગયેલા હિંસક નખોથી એ ઇતિહાસની ઇમાતરોના પોપડા ખંખેરવા અને ઊડાડવા એ આપણી પ્રવૃત્તિ બની ગઇ છે. અને જલ જુંબુરા ગાંધી કો ગાલી દે,,,લોગ તાલી બજાયેંગે..એટલે જંબુરાઓ આ ખેલ રોજ કરે છે. ભલે કરે.
આપણે તો આ દાંડીકૂચ, એક પ્રચંડ જુવાળ, મૂડીવાદી અને દમનકારી શાસન સામેનો એક પડકાર-એ પણ પવિત્રતાથી ભર્યો ભર્યો પડકાર એની વાત કરવી છે. અને એ પણ આજે તો ફક્ત સાતમી માર્ચને કેન્દ્રમાં રાખીને. ગાંધીજી અને સરદાર બન્ને વચ્ચેના સંબંધો વિશે પણ વિવિધતાથી ભરેલી વાતો થાય છે. પરંતુ આ દાંડીકૂચની સફળતામાં પણ સરદારનું અનન્ય યોગદાન હતું. શરુઆતમાં તો આ સત્યાગ્રહમાં અસંમતિ દાખવી પણ નિર્ણય અને આદેશ રામનો હોય તો હનુમાનજી પાછળ રહે? સરદારે આખા રુટ પર જઇને વ્યવસ્થા ગોઠવી એમ નહીં, વાતાવરણ ઊભું કરી દીધું કે શાંતિદૂત આવે છે આપણી ધરતીને ઘમરોળવા-તૈયાર રહેજો. કારણ કે અશાંતિ હવે અંગ્રેજ સરકારને થવાની છે.
દાંડીકૂચ ભવ્યાતિભવ્ય એપિસોડ છે. સાતમી માર્ચ એનો રુડો દિવસ છે. સાતમી તારીખે સરદાર વલ્લભભાઇ પટેલની સભા મહીસાગરના કિનારે આવેલા કંકાપુરા ગામે હતી. એ ત્યાં પહોંચે એ પહેલાં રસ્તામાં રાસ ગામ આવ્યું. લોકોએ વિનંતી કરી કે થોડું કંઇક અહીં પણ કહો ને…જમવા તો રોકાયા જ છો, તો સભા સંબોધી દો ને…ફૂડ પેકેટ આપીને કે એસટીની બસો દોડાવીને ભેગી કરેલી એ મેદની નહોતી. એ તો સ્વયંભૂ જુવાળ હતો લોકલાડીલા નેતા માટેનો. સરદારે પૂછ્યુઃ જે સત્યાગ્રહની લડત આપવાની છે, તેમાં ગામલોકો કેટલા સૈનિકો આપશે? જવાબ મળ્યો, બસો સૈનિકો…
અને બહેનો પણ હશે ને? સરદારે પૂછ્યુંઃ ગામ લોકોએ કહ્યું હા…
સરદારે કહ્યુઃ ભલે સભા રાખો પણ હવે હું બહુ નહીં બોલું. બસ એટલી વારમાં તો એમની ધરપકડ થઇ ગઇ. રવિવાર હતો તોય પોલીસ અધિકારી બિલિમોરીયા એમને લઇને કોર્ટે ગયા અને કોર્ટ ચાલુ રખાઇ હતી. ત્રણ માસની કેદ અને 500 રુપિયા દંડની સજા થઇ. અંગ્રેજ સરકાર આમ તો પોતાને બાહોશ માનતી પણ ભૂલ એ કરી કે વલ્લભભાઇની ધરપકડ થઇ અને ગાંધીજીને સરકારે ન પકડ્યા. આ બધી તો જાણીતી વાતો છે. પરંતુ થોડી રોચક વાતો વાંચવા મળે છે સરદારની જેલ ડાયરીમાં. સાતમી માર્ચથી બાવીસમી એપ્રિલ સુધી સાબરમતી જેલમાં સરદારે ડાયરી લખી.
આ વ્યક્તિ કેટલા સાદા, કેટલા દેશભક્ત, કેટલા સરળ હતા એ જાણવા માટે અનેક સંદર્ભો છે. પણ આ નાની ડાયરીના પાનેથી ખબર પડે કે આ કઇ કક્ષાએ જીવી ગયા!! ગાંધીજીને, એમના કાર્યને કેટલા સમર્પિત રહ્યા. રાષ્ટ્રવાદીઓ તો ત્યારે ય ઘણા હતા, આજે ય ઘણા છે, પણ રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય? એ અહીં અનુભવી શકાય. જેલમાં ઘણું લખાયું છે. જેલવાસની ઘણી ય કથાઓ પણ છે. પણ સરદારની જેલ ડાયરીના અક્ષરે અક્ષરમાંથી સત્ય અને સમર્પણ ટપકે છે. મેં આમ કર્યું ને મેં તેમ કર્યું એવું નહીં.
7મી માર્ચના દિવસ માટે એ લખે છેઃ રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં બોરસદથી મોટરમાં ડે. સુપ્રિન્ટેન્ડેન્ટ મિ.બીલીમોરિયા મૂકી ગયા.પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ જ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઇથી વર્ત્યો. રાતે જેલમાં ક્વોરેન્ટીન વોર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઇ ગયો…
8 માર્ચને સવારના એ પહોરમાં ઊઠતાં વેંત જ આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લાંમાં એક કૂંડું મૂકેલું હતું….નવ વાગ્યે વોર્ડરે મારા માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂંડી મુકાવી. બીજા બધા કામ પતાવી આવેલા એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો… એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. તેમણે કંઇ જોઇએ છે એમ ખબર પૂછી. સરદારે કહ્યું કે મહેરબાનીથી કંઇ ન જોઇએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું…
ખુમારી હતી. અને જેલમાં દસમી માર્ચે આચાર્ય કૃપલાણી અને દાંડીકૂચના જેને પ્રચારમંત્રી નહીં પણ મોબાઇલ કોમ્યુનિકેશન સેન્ટર કહી શકીએ એવા મહાદેવ દેસાઇ વલ્લભભાઇને મળવા ગયા. એ દિવસની નોંધ તો ડાયરીમાં છે જ પણ મહાદેવભાઇ સરદારની મુલાકાત લઇ ગયા હતા એમાં સરદારે જે કહ્યું તે એમના વ્યક્તિત્વનો જબરો પરિચય આપે છે. યંગ ઇન્ડિયાના 12 માર્ચ,1930ના અંકમાં હાઉ સરદાર વોઝ ઇમ્પ્રિઝ્ન્ડ- સરદાર જેલ ભેગા કેવી રીતે થયા- લેખ લખીને માત્ર ગુજરાત નહીં. દેશની જનતાને સરદારના લોખંડી મનોબળનો વધુ એક પરિચય મહાદેવભાઇએ આપ્યો.
જેલમાં જતાં પહેલાં સરદારે લોકોને પંદર વર્ષથી આકરી તપશ્ચર્યા કરી રહેલા ગાંધીજીએ ગુજરાત માટે જે કંઇ કર્યું હતું એનો બદલો વાળવાનો આ મોકો ન ચૂકવા સલાહ આપી હતી. સાબરમતી જેલમાં રહેલા સરદારની મુલાકાતમાં મહાદેવભાઇએ પૂછ્યું કે ” તમને અહીં કેમ રાખે છે ? ” તો સરદારે તેમને કહ્યુઃ ચોર લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઇ વાર આવી નહોતી. ખોરાકનું તો શું પૂછવું? જેલમાં કાંઇ મોજ કરવા થોડા આવ્યા છીએ, કાંઇક જાડા રોટલા અને દાળ એક દિવસ, અને રોટલા શાક બીજે દિવસે એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ. આવી વાતો કરીને સરદાર અચાનક બોલી ઊઠ્યાઃ પણ એની ચિંતા તું શા સારુ કરે છે? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું એમ છું. અને પછી મોટેથી હસ્યા.
આપણને જે દાંડીકૂચ દોઢેક પાનામાં ભણાવી દેવાઇ છે એ પોતે જ અનેક પાના ભરાય એવડો જીવંત ગ્રંથ સમાન ઘટના છે. અહિંસા શું કરી શકે,કરાવી શકે એનો મોટો જબરો પુરાવો… દાંડી યાત્રા 12મી માર્ચથી…
