હેરિટેજ અમદાવાદના ભવ્ય વારસાનાં ઘણાં જાણ્યાં, અજાણ્યાં સ્થળો, જાણો..

અમદાવાદઃ શહેર હેરિટેજ સિટી જાહેર થયા પછી ઘણા કાર્યક્રમો થયા. શહેરમાં ઠેર-ઠેર ઉત્સવની જેમ ઉજવણીઓ થઈ, પરંતુ અમદાવાદની ઘણી હેરિટેજ ઇમારતોની દુર્દશાની કોઈને દરકાર નથી. જ્યારે ઘણી જાજરમાન ઉત્કૃષ્ટ ઇમારતો વિશે આસપાસ થોડે દૂર રહેતા લોકો પણ એકદમ અજાણ છે.  ઐતિહાસિક ઇમારતોના સૌદર્યથી સજેલા  હેરિટેજને અમદાવાદીઓ નિહાળે, કલાની કદર કરે અને પ્રવાસનમાં વધારો થાય તો મહેનત સફળ થાય.

(માતા ભવાનીની વાવ)

 અમદાવાદનાં બેનમૂન સ્થાપત્યો 

શહેરમાં હરવાફરવાની-ઐતિહાસક ઇમારતો અને જોવલાયક સ્થળોની વાત આવે એટલે હરીફરીને સીદી સૈયદની જાળી, જુમ્મા મસ્જિદ, ત્રણ દરવાજા અને ઝૂલતા મિનારા જેવાં કેટલાંક સ્થળનાં નામ લોકો બોલી જાય. અમદાવાદમાં  કેટલાંક એવા સ્થળો પણ છે જ્યાં જઈ શકાય છે, પણ ઘણા લોકોને પૂરતી માહિતી જ નથી. અહીં પ્રસ્તુત છે અમદાવાદનાં એવા કેટલાંક ઐતિહાસિક સ્થળ…

મીર અબુ તુરબની દરગાહ

શહેરના બહેરામપુરામાં આ દરગાહ આવેલી છે. મીર અબુ તુરબ અકબરના એક વિશ્વાસુ- ચીફ ઓફ પિલગ્રીમ્સ હતા. તેમની આ દરગાહ નિહાળવી દર્શનીય લહાવો બને છે. 1594માં મૃત્યુ પામેલાં મીર અબુ તુરબની દરગાહ ફરતે 12 પીલર્સ અને છ પીલર્સના બીજા ટેકા સાથેના ગોળ ગુંબજ સાથે ખૂબ સુંદર રીતે બનાવાયેલી છે.

(દરિયાખાન ઘુમ્મટ)

બાબા લવ લવીની દરગાહ

સાબરમતી રિવરફ્રન્ટને અડીને જ આવેલી બાબા લવ લવીની અંદાજે 500 વર્ષ જૂની દરગાહ-મસ્જિદનું સ્થાપત્ય બેનમૂન કક્ષાનું છે. બારીક કોતરણી, ઊંચી કમાનો, સુંદર ઝરુખાથી સજ્જ આ ઐતિહાસિક ધરોહર દર્શનીય છે.

(મીર અબુ તુરબ)

અચ્યુત કૂકીની મસ્જિદ

દૂધેશ્વરમાં માનવ વસ્તી અને ભરપૂર દબાણોની વચ્ચે જ ઐતિહાસિક, કળાત્મક એવી અચ્યૂત કૂકીની મસ્જિદ આવેલી છે. મોગલકાળના શિલ્પ સ્થાપત્ય અને બારીક કોતરણીકામથી ખૂબસૂરત લાગતી આ જગ્યા પશ્ચિમ ભારતના ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો કહી શકાય છે.

માતા ભવાનીની વાવ

પહેલાંના રાજાઓ પ્રજાને સારી રીતે પાણી મળી રહે એ હેતુથી કૂવાઓ-વાવ ગળાવતા હતા ખાસ તો વાવના બાંધકામની અદભુત કળાકારીગરીને લઈને ગુજરાતની ઘણી વાવ વિશ્વ સ્તરે જાણીતી છે, અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણીબધી વાવ બનાવવામાં આવી હતી. તેમાંની એક છે માતા ભવાનીની વાવ જે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)