અમદાવાદ- મોલ મલ્ટિપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલવા મુદ્દે આજે હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકો પ્રથમ એક કલાક માટે ફ્રી પાર્કિંગની સુવિધા આપવી પડશે. પ્રથમ એક કલાક બાદ ફોર વ્હીલર માટે મહત્તમ રૂપિયા 30 અને ટુ વ્હીલર માટે મહત્તમ રૂપિયા 20 ચાર્જ વસૂલી શકશે. હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યુ કે, પાર્કિંગ મુદ્દે સરકારને જરૂરી લાગે તો સરકાર યોગ્ય નિયમો બનાવીને રોક લગાવી શકે છે.હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ટ્રાફિકની સમસ્યા ઝડપથી હલ થાય તે માટે સરકાર પાર્કિંગ પોલિસી ઝડપથી બનાવે તે જરૂરી છે.હાઈકોર્ટના ચૂકાદાની સીધી અસર ખાસ કરીને રાજ્યના મેગા સિટી પર પડશે. અત્યાર સુધીમાં વડોદરા, સુરત અને રાજકોટ કમિશ્નરે પણ ફ્રીમાં પાર્કિગ માટે આદેશો કર્યા હતા. મોલ-મલ્ટિપ્લેક્સમાં અત્યારસુધીમાં માત્ર 10 રૂપિયા ચાર્જ લેવાતો હતો. હવે હાઈકોર્ટે મહત્તમ 20 અને 30 રૂપિયા જાહેર કરતાં આગામી દિવસોમાં પાર્કિગનો ચાર્જ વધે તો પણ નવાઈ નહીં
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભરમાં અત્યારસુધીમાં ટ્રાફિક વિભાગે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદ ગણાવી સગવડ આપવા માટે આદેશ કર્યો હતો. જેની સામે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હવે સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સરકાર ઇચ્છે તો કાયદો બનાવી શકે છે.