ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો

ગુજરાત એટીએસ એ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો આ સમગ્ર માહિતીની બાતમી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી. આ સમગ્ર મામલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી. જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેણે કોસ્ટગાર્ડની ઘણી બધી માહિતી ત્યાં પહોંચાડી છે. હવે કયા મોડ્યુલમાં અને કઈ રીતે તે આમાં આવ્યો તેની તપાસ એટીએસ કરી રહી છે. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા.

એક મહિના પહેલા ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખ્સ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખ્સ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ એટીએસ દ્વારા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.