જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આરંભ, હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું ગિરનાર

જૂનાગઢ: મહાશિવરાત્રિ પર્વ નજીક આવતાની સાથે જૂનાગઢમાં ભક્તિ અને ધામધૂમનો માહોલ છવાયો છે. ભવનાથ મહાદેવના પવિત્ર ધામમાં મેળાનું આજથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મેળાની ઔપચારિક શરૂઆત કરાઈ.

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો પાંચ દિવસ સુધી યોજાશે, જ્યાં રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તોની સુરક્ષા અને પાર્કિંગની સુવિધાને વધુ સુગમ બનાવવા માટે જૂનાગઢ પોલીસે AI ટેક્નોલોજી નો ઉપયોગ કર્યો છે. Park Easy ચેટબોટ દ્વારા શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને પાર્કિંગ માટેનું લોકેશન મેળવી શકે છે. WhatsApp ચેટબોટમાં “Hi” મેસેજ મોકલી, શ્રદ્ધાળુઓ પોતાના જિલ્લાની પસંદગી કરીને નજીકના પાર્કિંગ સ્થળની માહિતી મેળવી શકશે. ભીડને સંચાલિત કરવા અને શ્રદ્ધાળુઓ માટે સુવિધા વધારવા 10 PRO સિસ્ટમ ગોઠવાઈ છે, જે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડે તો તેને શોધવામાં સહાય કરશે.

પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રિ મેળો બનાવવા માટે જૂનાગઢ તંત્ર અને યુવા કલાકારો સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં દિવાલો પર સંદેશસભર પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ લાવે છે. મહાશિવરાત્રિ મેળો ભક્તિ, ભવ્યતા અને તંત્રની નવીનતમ વ્યવસ્થાઓ સાથે ભાવિકોને એક અનોખો અનુભવ અપાવશે.