ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા

સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજું  ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.

ઉલ્લેખનીય છે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા. રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. રાજકોટના કોંગ્રેસના નેતા, કરણીસેનાનાં મહિલા આગેવાન તેમજ રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા જાડેજા, IPS મયંકસિંહ ચાવડા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.