અમદાવાદ: ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, જે 8 અને 9 માર્ચના રોજ છઠ્ઠા હેરિટેજ કાર શોનો સાક્ષી બનશે. પાંચ વર્ષના અંતરાલ બાદ યોજાનાર આ ભવ્ય પ્રદર્શનનું આયોજન ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ (GVCCC)અને અમન આકાશ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર રસીકો અને ઇતિહાસ પ્રેમીઓને 90 રેર વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલના સંગ્રહને જોવાની તક મળશે, જે છેલ્લા આઠ દાયકામાં ઓટોમોબાઈલના ઉત્ક્રાંતિની ઝલક આપશે. આ કાર્યક્રમમાં બરવાનીના મહામહિમ મહારાજા માનવેન્દ્ર સિંહજી, બરવાનીના યુવરાજ સિદ્ધરાજ સિંહજી, સહિતના મહાનુભાવો અને વિન્ટેજ ઓટોમોબાઈલની દુનિયાના જાણીતા જજ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. શો વિશે વાત કરતા, GVCCC ના સ્થાપક અને પ્રમુખ સુબોધ નાથે જણાવ્યું હતું કે, “હેરિટેજ કાર શો એ વિન્ટેજ ઓટોમોબાઈલની ટાઇમલેસ બ્યુટી અને અદભૂત એન્જિનિયરિંગની ઉજવણી છે. અમે પાંચ વર્ષ પછી ફરી આ શો લઇને આવી રહ્યાં છીએ જેને લઇને અમે ઉત્સાહિત છીએ. આપણે ઇલેક્ટ્રિક કાર અને શેર મોબીલીટીના યુગમાં જીવી રહ્યા છીએ પરંતુ આ વિન્ટેજ સુંદરતાએ આધુનિક પરિવહનનો પાયો નાખ્યો છે. આ કાર શો ફક્ત વિન્ટેજ વાહનોનું પ્રદર્શન જ નથી કરવાનો, પરંતુ તે અંગે જાળવામાં પણ મદદ કરવાનો પ્રયાસ કરશે. અમે અમદાવાદના લોકોને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”
આ કાર્યક્રમમાં યુદ્ધ પહેલા અને યુદ્ધ પછીના યુગની વિન્ટેજ કાર અને મોટરબાઈક પ્રદર્શિત કરવામાં આવશે. શોના સ્ટાર આકર્ષણોમાંનુ એક દુર્લભ 1950 MG YT હશે, જેને ‘લાલપરી’ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતથી યુકે સુધી 14 દેશોમાં 13,500 કિલોમીટરની સફર પૂર્ણ કરનારી ભારતની પ્રથમ વિન્ટેજ કાર છે. આ કાર ક્લાસિક ઓટોમોબાઈલના ટકાઉપણું અને ટાઇમલેસ આકર્ષણને દર્શાવે છે. આ સાથે અહીં 1956ની દુર્લભ શેવરોલે બેલ એર કાર પણ જોવા મળશે જે ત્રણ પેઢીઓથી એક જ પરિવાર પાસે છે, જે લગભગ એક પરિવારના સભ્ય જેવી બની ગઇ છે. આ પ્રતિષ્ઠિત કાર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે, કારણ કે અમદાવાદમાં નહેરુ બ્રિજના ઉદ્ઘાટન દરમિયાન પંડિત જવાહરલાલ નેહરુ આ કારમાં સવારી કરી હતી. આ ઉપરાંત, પ્રદર્શનમાં બીજી એક અનોખી અને ઐતિહાસિક વિન્ટેજ કાર 1956ની ડોજ સબર્બન હશે, જે અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનરની કાર હતી.
GVCCCના સ્થાપક ચંદન નાથે જણાવ્યું હતું કે, “આ શોમાં પ્રદર્શિત વિન્ટેજ કાર ફક્ત વાહનો નથી, તે આપણા વારસાનો અભિન્ન ભાગ છે, દરેક કારીગરી, નવીનતા અને તે કયા યુગમાંથી આવે છે તેની વાર્તા કહે છે. GVCCC ખાતે, અમે ઇતિહાસના આ ટાઇમલેસ પિસીસને સાચવવા માટે સમર્પિત છીએ. અમારું લક્ષ્ય ભવિષ્યની પેઢીઓ માટે આ મૂલ્યવાન વારસાનું રક્ષણ કરવાનો છે, જેથી ખાતરી કરી શકાય કે આ ક્લાસિક કાર આવનારા વર્ષો સુધી પ્રશંસા પામતી રહે.”
બે દિવસનો આ કાર્યક્રમ મુલાકાતીઓ માટે યાદગાર બની રહશે, જે શ્રેષ્ઠ વિન્ટેજ અને ક્લાસિક વાહનોને નજીકથી જોવાની દુર્લભ તક આપે છે. છઠ્ઠો GVCCC અમન આકાશ હેરિટેજ કાર શો કાર રસીકો અને કલેક્ટર્સના વિશાળ દર્શકોને આકર્ષે તેવી અપેક્ષા છે. આ આયોજન શનિવાર, 8 માર્ચ, સવારે 11:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી અને રવિવાર, 9 માર્ચ, સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
