ગાંધીનગર- ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર રવિવારે લીક થઈ ગયાં બાદ જે આક્રોશ અને આઘાતનો માહોલ છે, તેની વચ્ચે તપાસનો ધમધમાટ વધુ ચોંકાવનારા તથ્યો બહાર લાવી રહ્યો છે.પેપર લીકને લઈને નવ લાખથી વધુ વિદ્યાર્થીઓને આખા રાજ્યમાં મુશ્કેલી પડી હતી અને સીએમ રુપાણીએ જનઆક્રોશને લઇને ભાડું આપવા સહિતના વિવિધ સાંત્વનાજનક નિવેદન કરવાં પડ્યાં હતાં.
એલઆરડી પરીક્ષાનું પેપર લીક કેવી રીતે થયું અને કોણે કર્યું તેનો તપાસનો રેલો મોટા માથાં સુધી પહોંચે તેવી આશંકા છે. આ કેસમાં અનેક લોકોની પણ અટકાયત અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર સાતમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં એક પીએસઆઈ પી વી પટેલ પણ સામેલ છે. તે ઉપરાંત મૂકેશ ચૌધરી અને મનહર પટેલ નામના આરોપીઓ તેમ જ શ્રીરામ હોસ્ટેલના રુપલ શર્મા નામના મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.પ્રિન્ટિંગ પ્રક્રિયામાં પેપર લીકની શંકા છે..
પરીક્ષામાં પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીક થયુ હોવાની હોવાની પ્રબળ શંકા સેવાઇ રહી છે. આ મામલાનો સૂત્રધાર બાયડ, હિંમતનગર અને ગાંધીનગરના હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે બહાર આવી રહેલ બિનઆધિકારિક માહિતી મુજબ મુખ્ય સૂત્રધાર મહિલાની સંડોવણી છે. પેપર જ્યાં પ્રિન્ટ થાય છે ત્યાંથી અથવા પેકેજિંગ સમયે અથવા સર્ક્યુલેશનમાં સરકારી સીસ્ટમના જ કોઈ વ્યક્તિએ પેપર લીક કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ પેપર લીક મામલે હજુ વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. 15 દિવસ પહેલાં દરેક જિલ્લામાં પેપર વહેંચવામાં આવ્યા હતાં. દરેક જિલ્લાની એસપી ઓફિસે પેપર 15 દિવસ પહેલા પહોંચાડી દેવામાં આવ્યાં હતાં. પેપર લીક મામલે પોલિસે શંકમંદોની પૂછપરછ હાથ ધરી છે જેમાં 2-3 વ્યક્તિ ગાંધીનગરના, અને 4થી 5 વ્યક્તિ દાહોદના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકરક્ષક ભરતી સમિતિના હેડ ક્લાર્કની સંડોવણી પણ આ કિસ્સામાં હોઇ શકે છે.પરીક્ષાર્થીઓનો આક્રોશ…
માહિતી અનુસાર, કૌભાંડીઓની ગાંધીનગરમાં મીટિંગ યોજાઈ હતી.જેમાં પ્રશ્નપત્રના જવાબો લખવામાં આવ્યા હતા. જવાબો સાથેનું પ્રશ્નપત્ર બાદમાં સેટિંગબાજોને વાયરલ કરવામાં આવ્યું. આ વાતની પોલીસને જાણ થતાં પોલિસે તરત એક્શન લેવાનું શરુ કર્યું અને મીટિંગ કરી. બાદમાં મુખ્યપ્રધાનને આ કેસની જાણ કરવામાં આવી. સીએમના આદેશ બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો..