ખેડૂતોની ફરિયાદો વચ્ચે કુલ રુ. 274 કરોડની મગફળીની ખરીદી થઈ

ગાંધીનગર- ગુજરાત સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૨૭,૪૮૩ ખેડૂતો પાસેથી રૂ. ૨૭૪.૬૨ કરોડની કિંમતની ,૪૯,૨૫૨, ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧ નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના  ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી, જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા.

આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૧/૧૨/૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૨૭,૪૮૩ ખેડૂતો પાસેથી કુલ રૂ. ૨૭૪.૬૨ કરોડની કુલ ૫,૪૯,૨૫૨, ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને તા.૦૩/૧૨/૨૦૧૮થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]