યશપાલે દિલ્હીથી પેપર લીક કર્યું હોવાના પુરાવા છે: ગાંધીનગર SP

અમદાવાદ- રવિવારનાં રોજ યોજવામાં આવેલી લોકરક્ષક દળની ભરતી પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી, પેપર લીક થવાની ઘટનાને સમગ્ર રાજ્યમાં વખોડી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ ઘટના સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાબડતોડ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન પાંચ લોકોનાં નામ બહાર આવ્યા છે, જેમાં ભાજપના બે પદાધિકારી મુકેશ ચૌધરી અને મનહર પટેલના નામોનો પણ સમાવેશ થાય છે.

વડોદરાના યશપાલસિંહ ઠાકોર, ગાંધીનગરનાં રૂપલ શર્મા, બાયડ (હિંમતનગર)ના મનહર પટેલ બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને ગાંધીનગર વાયરલેસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી. પટેલ સહિત પાંચ જણ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૨૦-બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે પાંચમાંથી ચાર આરોપીની ધરપકડ કરી છે, જોકે કથિત મુખ્ય સૂત્રધાર યશપાલ હજુ પણ પોલીસની પકડની બહાર છે. ભાજપ દ્વારા બંને પદાધિકારીઓને તત્કાળ અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાંચ પરીક્ષાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.યશપાલસિંહ હિંમતનગરના બાયડમાં ભાજપના પદાધિકારી મનહર પટેલના સંપર્કમાં હતો. યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઝેરોક્સનો કૉન્ટ્રેક્ટ ધરાવે છે. બંને વચ્ચે આ મુદ્દે ફોન પર વાતો થઈ હતી, જે કોલ ડિટેઇલ્સ રેકર્ડમાં બહાર આવી છે.

ગાંધીનગર SP મયૂરસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, મનહર પટેલે આ મામલે એવી ડીલ તૈયાર કરી હતી કે લીક કરાયેલા જવાબો સાચા પડે તો ઉમેદવારે એક લાખ રૂપિયા ચૂકવવાના રહેશે અને એ બાદ પરીક્ષા પાસ કરી લેવાતા બાકીની રકમ ચૂકવવાની રહેશે. ગાંધીનગરની જે હૉસ્ટેલમાં રૂપલ શર્મા કામ કરે છે ત્યાંથી દસેક વિદ્યાર્થીઓને પેપર વેચવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં રહેતાં રૂપલ પોતે પણ પરીક્ષાનાં ઉમેદવાર હતાં. તેમના પિતા પોલીસ ઇન્સપેક્ટર તરીકે સેવા બજાવતા હતાં.

PSI, પી.વી.પટેલના બે ભાણિયા પણ આ પરીક્ષામાં આપવાના હતાં, જેથી તેમના માટે પી.વી.પટેલે પેપર મગાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]