એક તરફ બિપરજોય વાવાઝોડુ છે તો બીજી તરફ સુરતમાં નર્મદ સાહિત્ય સભાના નામે વિરોધનું વાવાઝોડુ ફૂંકાયું છે. છેલ્લા એક સપ્તાહથી સાહિત્ય સભાની રિતી નીતિથી સુરતના જ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ વંટોળમાં કેટલાય હોદ્દેદારો અને સભ્યોએ વાવઝોડામાં તૂટતી ડાળીઓ માફક રાજીનામા પણ ધરી દીધા છે. છતાં મૂળિયા હજી ઉખડતા નથી કે ઉખડવા તૈયાર નથી.. જાણીએ શું છે આખો મામલો…
તા – 30મી મે 2023 ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા વર્ષ 2020-20 ના વિવિધ ચંદ્રોકોની જાહેરાત કરવામાં આવી. જેમાં એક ચંદ્રક સુરતના સાહિત્યકાર અને સભાના જ હોદ્દેદાર બકુલેશ દેસાઈને નામે હતો. બસ આ નામ અહી કેમ? હોદ્દેદારો એવોર્ડ કઇ રીતે સ્વીકારી શકે ? હોદ્દેદારો જ નિર્ણાયક અને હોદ્દેદારોને જ એવોર્ડ.. આ તો ન ચલાવી લેવાય.. અને બિપોરજોયની આગાહી વચ્ચે સુરતમાં આ સાહિત્યિક પ્રવૃત્તિ સામે વિરોધનું વાવાઝોડુ સક્રિય થયુ..
તા – 6ઠ્ઠી જૂન 2023 ના રોજ સુરતના સાહિત્યપ્રેમી ભાવક મેહુલ જયાણીએ આ સક્રિય પ્રવૃત્તિ સામે નર્મદની ભાષામાં બંડ પોકાર્યું . અને સુરત સાહિત્ય જગતમાં એના ઘેરા પ્રત્યાઘાતો શરૂ થયા. અનેક સાહિત્યકારો સર્જકો અને ભાવકો નર્મદ સાહિત્ય સભાની વિમુખ થવા લાગ્યા અને સોશિયલ મીડિયા મારફતે પોતાનો વિરોધ રજૂ કરવા લાગ્યા. વાત ત્યાં સુધી પહોંચી કે આખરે સભાના જ સભ્યો અને હોદ્દેદારોના રાજીનામા પડવા લાગ્યા. ઘણા સભ્યો અને હોદ્દેદારો પણ સભાની સામે ઊભા હતા.
જરા વિગતથી વાત કરીએ તો, સાહિત્ય જગત સાથે સંકળાયેલી નર્મદ સાહિત્ય સભા દ્વારા વર્ષ 1940થી અલગ અલગ કૃતિઓ માટે ચંદ્રક આપવામાં આવે છે. આ વખતે અલગ અલગ 10 કેટેગરીમાંથી 7 ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે સંસ્થાના ઉપપ્રમુખ બકુલેશ દેસાઈનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. હાસ્ય લેખ માટે અપાતો જ્યોતીન્દ્ર દવે ચંદ્રક બકુલેશ દેસાઈના ‘તો હસતા નહિ ‘ પુસ્તકને જાહેર કરાતા વિવાદ છેડાયો છે. આ વિવાદનો તાર નિર્ણાયકો સાથે સંગત કરે છે. કારણ કે ચંદ્રકના નિર્ણાયકો સંસ્થાના જ હોદ્દેદારો હોવાનુ કહેવાય છે. બકુલેશ દેસાઈ સંસ્થાના ઉપપ્રમુખ છે. ત્યારે તેઓ કઈ રીતે પોતાની જ સંસ્થાનો એવોર્ડ લઈ શકે તેવા સવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયાં છે. બીજી તરફ એવા પણ સવાલો ઉઠ્યા છે કે, ગત વર્ષે સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લભાઈ દેસાઈને પણ આ રીતે જ ચંદ્રક મળ્યો હતો, હવે આ વર્ષે ઉપપ્રમુખને. તો શું સંસ્થાના હોદ્દેદારો જ ચંદ્રકો લીધા કરશે ?
મેહુલ જયાણીના અભિયાનના સપોર્ટમાં સુરતના સાહિત્ય જગતના અગ્રણીઓ પણ આવ્યા. ડૉ. વિવેક ટેલર, હરીશ ઠક્કર, રઇશ મનીઆર, ગુણવંત ઠક્કર, ડૉ. મુકુલ ચોકસી, એશા દાદાવાલા, ગૌરાંગ ઠાકર, પંકજ વખારિયા વગેરે સોશિયલ મીડિયા દ્વારા સાહિત્ય સભાને અણિયાળા સવાલો કર્યા. આ સાથે જ નર્મદ સાહિત્ય સભાના સભ્યપદેથી રાજીનામાનો દોર પણ શરૂ થયો. પ્રજ્ઞા વશી, યામિની વ્યાસ, ધ્વનિલ પારેખ, નટવર પંડ્યા, મયંક ત્રિવેદી, રીના મહેતા, ગૌરાંગ ઠાકર, ગુણવંત ઠક્કર આ બધાએ અપારદર્શ વહીવટ કે અંગત કારણ સામે ધરીને રાજીનામા ધરી દીધા. મંત્રી તરીકે નરેશ કાપડિયાએ પણ રાજીનામુ આપી દીધુ. જ્યારે પ્રમુખ પદેથી પ્રફુલ દેસાઈએ રાજીનામા આપ્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ, હું હજી સાહિત્ય સભાનો અધ્યક્ષ છું જ.. અને માહોલ ફરી ગરમાયો.
કવિ મુકુલ ચોકસીએ ખુલ્લો પત્ર લખતા કહ્યુ કે, મેં જીવનમાં કોઇને ચંદ્રક મેળવવા માટે આટલા ભૂરાટાં થતા જોયા નથી . અને પોતાના અતિ ક્ષુલ્લક પદ ઉપર ગુંદર અને ફેવિકોલના ગુણાકાર જેટલી ચોંટાઇથી ચોંટી રહેતા જોયા નથી. આજથી બરાબર સો વર્ષ પહેલા એટલે કે ઠેઠ ૧૯૨૩ માં ગુજરાતી સાહિત્ય સભાનાં નામે વ્યોમેશચંદ્ર પાઠકજીના પ્રમુખ પદે સ્થપાયેલ આ (તે કાળની) ગૌરવવંતી સંસ્થાને ૧૯૩૯ માં નામ બદલીને “નર્મદ સાહિત્ય સભા”ના નવા નામે ઘોષિત કરવામાં આવી. ત્યારથી માંડીને છેલ્લા ચારેક વર્ષ સુધીના પ્રલંબ સમયગાળામાં આ સંસ્થાને નામે કોઇ મોટો વિવાદ થયો હોય એવું જાણમાં નથી. પરંતુ બે ત્રણ વર્ષ પૂર્વે પ્રમુખ શ્રી પ્રફૂલ દેસાઇએ પોતે ચંદ્રક લીધો ત્યારથી નર્મદ સાહિત્ય સભાનાં ચંદ્રકો સામે (આ જ મેથડથી ચંદ્રક લેનાર હાલના ઉપપ્રમુખ બકુલેશ દેસાઇ સહિત) ઘણાને ઘણા પ્રશ્નો થયા છે. જેનો સંસ્થા પાસે કોઇ નક્કર જવાબ નથી. કેમ કે આટઆટલા વિવાદો અને આક્ષેપો છતાં સંસ્થાના હોદ્દેદારોએ હજુ સુધી એકપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ કરતાં પણ વધારે આપત્તિજનક જો કોઇ હઠ હોય તો એ છે “વૃદ્ધ હઠ”. આપણને વૃદ્ધોનો આદર કરવાનું ભૂલાવી દે એવી આ વૃદ્ધહઠ માટે એટલું જ કહેવાનું મન થાય છે કે જેમ એક ગાબડું આખું વહાણ ડૂબાડે તેમ એક વયસ્ક માણસની લાલસા આખી સંસ્થાને ડૂબાડી રહી છે. નર્મદનાં શતાબ્દી વર્ષને એકાદ બે એવા ચંદ્રકલોલુપ હોદ્દેદારો કલંકિત કરી રહ્યા છે , જેમને સંસ્થાની સ્થાપનાનું આ જન્મ શતાબ્દિ વર્ષ છે એની ય જાણ નથી. મહાન સંસ્થાઓના જન્મ શતાબ્દિ વર્ષો સમાજમાં આહલાદ અને ઉજવણીનો ઉન્માદ જગાવે છે , જ્યારે નાદાન ચંદ્રક વાંચ્છુઓની હરકતોએ સાહિત્યપ્રેમીઓના મનોજગતમાં વિવાદ , વિષાદ તથા વિખવાદનો વંટોળ જગવ્યો છે.
મુકુલ ચોકસી સિવાય પણ સુરતના ઘણા સર્જકોએ આ બાબતે પોતાનો બળાપો કાઢ્યો છે. તો કેટલાકે આ બાબતે મૌન રહેવામાં જ શાણપણ સમજ્યું છે.
વિરોધનું બ્યુગલ ફૂંકનાર મેહુલ જયાણી ચિત્રલેખાને કહે છે : ‘ નર્મદ સાહિત્ય સભા ખૂબ શાખ ધરાવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સંસ્થામાં સડો વ્યાપી ગયો હતો. જેને દૂર કરવો ખૂબ જરૂરી હતો. જેથી આ સમગ્ર હકીકત ઉજાગર કરવામાં આવી. હાલ જે રાજીનામાં પડ્યા છે. તેમાં ઘણા સારા લોકો પણ છે. પરંતુ હજુ ઘણો સડો સાહિત્ય સભામાં છે. ઘણા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને ગંદકી છે તેને સાફ કરવા માટેનું કામ પણ સમયાંતરે થશે.
વધુમાં મેહુલ જણાવે છે, નર્મદ સાહિત્ય સભા એવું કબૂલે કે અમે આ ખોટું કર્યું છે. સંસ્થાનાં હોદ્દેદારો જ નિર્ણાયક તરીકે રહી ચંદ્રક માટે પોતાનાં પુસ્તકો મૂકે અને અંદરો-અંદર પોતાના પુસ્તકને જ ચંદ્રક મળે એવી વ્યવસ્થા અમે વર્ષોથી ચાલતી આવતી પરંપરાને નામે કરી હતી-જે સદંતર ખોટું પગલું હતું. અને હવે નર્મદ સાહિત્ય સભાને વિખેરી નાંખવામાં આવે, સાત્વિક, જવાબદાર સાહિત્યકારોને જ એનાં હોદ્દેદારો બનાવવામાં આવે, જેને કારણે નર્મદનાં સંસ્કારોનું જતન થાય, નર્મદ એક બિઝનેસ બનીને ના રહી જાય. આવી રીતે અપાયેલા ચંદ્રકો નર્મદ સાહિત્ય સભા તરફથી પાછા ખેંચવામાં આવે.
બકુલેશ દેસાઈ ચંદ્રક નહિ સ્વીકારે
નર્મદ સાહિત્ય સભાના ચંદ્રકોની જાહેરાત કરનાર મંત્રી નરેશ કાપડીઆએ જણાવ્યું હતું કે, કોઈ જ નિયમનું ઉલ્લંઘન થયું નથી. અગાઉ પણ અનેક હોદ્દેદારોને ચંદ્રક અપાયા છે. હું અંગત રીતે માનુ છું કે હોદ્દેદારો નિર્ણાયક હોય અને હોદ્દેદારોને જ એવોર્ડ મળે એ યોગ્ય નથી. જે વિરોધ થઈ રહ્યો છે એનો પણ મને વ્યક્તિગત વાંધો નથી. હવે આગામી મિટિંગમાં આ તમામ મુદ્દે ફેર વિચારણા કરીશું. જે ભૂલો થઇ છે એ સુધારાશે અને નારાજગીથી જે રાજીનામા પડ્યા છે એ વિશે પણ નિર્ણયો લેવાશે. સાહિત્ય માટે સારૂ થઇ શકે એ બધુ કરીશું. અને સૌથી મહત્વનું જે ચંદ્રકને લઇને ઉહાપોહ શરૂ થયો છે. એ લેવા માટે બકુલેશ દેસાઈએ પણ સહર્ષ અને આદરપૂર્વક ઇન્કાર કરી દીધો છે. હવે વિરોધ બંધ થવો જોઈએ.
કેમ સૌરાષ્ટ્ર સાઈડથી વિરોધ નથી થતો?
નર્મદ સાહિત્ય સભાના આમંત્રિત સભ્ય રાજન ભટ્ટે આ વિવાદ પર કહ્યુ કે, આ વિરોધ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા થઇ રહ્યો છે. વયસ્કોને ધમકાવાય રહ્યા છે. જેને આ બાબતે સ્નાન સૂતકનો સંબંધ નથી તેઓ આ આંદોલન ચલાવી રહ્યા છે. ખાલી સુરતમાં જ વિરોધ ચાલે છે. નર્મદ સાહિત્ય સભા તો વ્યાપક છે તો કે સૌરાષ્ટ્ર માંથી કોઈ સાહિત્યકાર બોલતા નથી?