લંડનઃ સંવાદ અને વિકાસ માટે સાંસ્કૃતિક વૈવિધ્યતા માટેના જાગતિક દિવસ નિમિત્તે બ્રિટનના સંસદભવનના હાઉસ ઓફ લોર્ડ્સ (ઉમરાવ સભાગૃહ)માં ભારતની 18 ભાષાઓનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું અને તેની પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (એપીપીજી)ના સહયોગમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિન્ગ્વિસ્ટ્સ તરફથી ટેકો આપવામાં આવ્યો હતો.
સાંસદીય યજમાન બેરોનેસ ગાર્ડન ઓફ ફ્રોગનલે ભાષાઓના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને અર્થપૂર્ણ સામગ્રીને એકત્રિત કરવા બદલ આયોજકોની પ્રશંસા કરી હતી. બ્રિટનમાં વસતા ભારતીયોએ લખેલી કવિતાઓને સંસ્કૃત, આસામી, બંગાળી, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સિંધી, તેલુગુ અને નેપાળી ભાષાઓમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. સંસ્કૃતિ સેન્ટરનાં સ્થાપક રાગસુધા વિન્જામુરીએ અરૂણાચલ પ્રદેશ રાજ્યની તાઈ ખામ્તી ભાષા વિશે જાણકારી આપી હતી. મુકેશ કારેલીયાએ ગુજરાતીમાં સોમનાથ મંદિર વિશેની કવિતાનું પઠન કર્યું હતું.
લંડનમાંના ભારતીય હાઈ કમિશનનાં અટેચી (હિન્દી અને સંસ્કૃતિ વિભાગ) ડો. નંદિતા સાહુએ આભારવિધિ વ્યક્ત કર્યો હતો.
