દ્વારકાઃ ગુજરાતના દેવભૂમિ-દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર (જગતમંદિર)માં ગઈ કાલે બપોરે ભારે વરસાદ પડ્યો હતો અને એ વખતે વીજળીના અતિ તીવ્ર ચમકારા અને કાનના પડદા ફાડી નાખે એવા કડાકા-ભડાકા પણ થયા હતા. મંદિરના શિખર પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરની ટોચ પરના દંડ પર ફરકતી ધ્વજા સહેજ ફાટી ગઈ હતી. જોકે મંદિરના માળખાને કોઈ હાનિ પહોંચી નથી. મંદિર પરના આકાશમાં થતા વીજળીના ચમકારાની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયા છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ પણ થઈ નથી. મંદિરના શિખર પર કોપરના વાયરનું અર્થિંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનમાં ઉતરી ગઈ હતી.
આ ઘટનાની જાણ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેવભૂમિ-દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. અમિત શાહ ગાંધીનગર મતવિસ્તારના સંસદસભ્ય છે. એમના કાર્યાલયે બહાર પાડેલા નિવેદનમાં જણાવાયું છે કે વીજળીથી મંદિરના માળખાને કોઈ નુકસાન થયું નથી.